- દિવસભર 8.7 કિમીની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણ ટાઢુંબોળ
- લઘુત્તમ તાપમાન 19.6 થી ઘટીને 12.5 ડિગ્રી થયું,હજુ 2 દિ’ ઠંડી રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં લોકોને ફરી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. એક જ દિવસમાં ઠંડીમાં 7.1 ડિગ્રીનો વધારો થવા સાથે દિવસભર 8.7 કિમીની ઝડપે ઠંઠોગાર પવન ફૂંકાયો હતો. પરિણામે ફરી કાતીલ ઠંડીની અસર થઇ રહી હોવાનું જણાઇ રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ શનિવારે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રવિવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી થઇ ગયું હતું. આમ, એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી ઘટી જતા કાતીલ ઠંડીની અસર જોવા મળી હતી.
એમાં પણ દિવસભર 8.7 કિમીની ઝડપે બર્ફિલા પવન ફૂંકાયા હતા જેથી લોકોને આખો દિવસ ગરમ કપડામાં વિંટળાઇને રહેવું પડ્યું હતું. સાથોસાથ ઠંડા પવનથી બચવા ઘરના બારી, દરવાજા પણ બંધ રાખવાની ફરજ પડી હતી. દરમિયાન ગિરનાર પર્વત પર 7.5 ડિગ્રી ઠંડી અનુભવાઇ હતી જેથી પશુ, પક્ષી તેમજ ગિરનારની યાત્રાએ આવનાર પ્રવાસીઓની હાલત કફોડી બની ગઇ હતી. હજુ પણ બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના હોય બે દિવસ ઠંડીનો સામનો કરવો પડશે. રવિવારે લઘુત્તમ 12.5, મહત્તમ 28 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને બપોર બાદ 34 ટકા રહ્યું હતું સાથે પવનની ઝડપ 8.7 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.