બે અઠવાડિયાથી આપણે રામાયણની રામાયણ માંડી છે. કમનસીબે આપણાં આ મહાન ગ્રંથની થોડી ઉપરછલ્લી વાતો જ આપણે જાણીએ છીએ.
રંગ છલકે
– કિન્નર આચાર્ય
– કિન્નર આચાર્ય
વાસ્તવમાં રામાયણમાં અનેક પાત્રો, સ્થળો અને અસ્ત્ર-શસ્ત્રનાં વર્ણનો છે. પરંતુ આપણે આ ગ્રંથ ક્યારેય ધ્યાનપૂર્વક કે રસપૂર્વક વાંચવાનો પ્રયત્ન જ નથી કર્યો. એક સીધોસાદો પ્રશ્ર્ન છે: રામ-સિતાને વનવાસ માટે મોકલાયા ત્યારે અગણિત અયોધ્યાવાસીઓ પણ તેમની સાથે વન તરફ ચાલતાં થયા. એક નગરમાં રાત્રી વિશ્રામ કરવાનું બન્યું, અહીંથી જ રામ-સિતા અને લક્ષ્મણે બાકીનાં અયોધ્યાવાસીઓને ઊંઘતા મૂકીને વન ભણી પ્રયાણ કર્યું. હવે કહો, એ નગર ક્યું- જ્યાં રાત્રી વિશ્રામ તેમણે કર્યો હતો? એ નગર એટલે: શૃંગવેરપુર. શ્રીરામનાં પરમ મિત્ર હતા એ કાશીનાં રાજાનું નામ શું? એમનું નામ : પ્રતર્દન.
એક આખું પ્રકરણ રામાયણનાં વિવિધ પાત્રોનાં સંબંધો પર પણ લખી શકાય. શ્રીરામની માતાનું નામ કૌશલ્યા, રાવણની માતાનું નામ હતું કૈક્સી. પણ જટાયુની માતાનું નામ? શ્યેની. મંદોદરીની માતાનું નામ હેમા. ખર અને દૂષણ નામનાં રાક્ષસોની આમ તો જોડી હતી. પરંતુ બેઉની માતા અલગ. ખરની માતાનું નામ, પુષ્પોત્કટા અને દૂષણની માતાનું નામ વાકા. અંગદની માતાનું નામ તારા અને લવણાસૂરની માતાનું નામ કુંભિનસી. રાવણનાં પુત્ર અતિકાયની માતાનું નામ ધાન્યમાલિન, કુબેરના મમ્મીનું નામ દેવવર્ણિની. નાગોની માતા એટલે સુરસા. દુંદુભીની માતા હતી અપ્સરા હેમા. રાહુની માતા, સિંહિકા.
- Advertisement -
ખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા. તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ. વાનર નલ-નીલની જોડીનું નામ રામાયણથી પરિચિત હોય તેવા બધા લોકો જાણતા હશે- નલનાં પિતા, વિશ્ર્વકર્મા અને નીલનાં પિતા- અગ્નિદેવ. મંદોદરીના પિતાનું નામ : મય. મહર્ષિ વિશ્ર્વામિત્રનાં પિતાનું નામ: ગાધિ. લવણાસૂરનો પિતા હતો, દૈત્ય મધુ. કૈક્યીના પિતાનું નામ, અશ્ર્વપતિ. ત્રિશંકૂના પિતા, અત્રિ. સ્વયંપ્રભાના પિતા, મેરુસાવર્ણી. ભરતની પત્નીનું નામ હતું, માંડવી. શત્રુઘ્નની પત્ની: શ્રૃતકીર્તિ. મેઘનાદની પત્ની, સુલોચના. વિભિષણની પત્ની એટલે, સરમા. કુંભકર્ણની પત્નીનું નામ: વજ્રજ્વાલા. કુશની પત્નીનું નામ: ચંપકા, લવની બે પત્નીઓ. નામ: સુમતિ અને કંજાનના.
રામનાં પુત્રો હતાં: લવ-કુશ. પરંતુ લક્ષ્મણનાં પુત્રનું નામ? જવાબ છે અંગુદ અને ચંદ્રકેતુ. ભરતનાં પુત્રનું નામ: તક્ષ. ભરતનો પુત્ર: પુષ્કલ, શત્રુઘ્નનાં પુત્રનું નામ શત્રુઘાતી અને ગીસુબાહુ. રામની બહેન અને દશરથની પુત્રીનું નામ, શાંતા. અચ્છા, રાવણનાં નાનાનું નામ પુલત્સ્ય. ભરતના મામા યુધાજિત. શ્રીરામનાં નાના, ભાનુમાન. હનુમાનજીના નાનાનું નામ હતું કુંજર.
સગા-સંબંધીઓ ઉપરાંત પણ રામાયણની ઘણી એવી બાબતો છે- જે રોચક પણ છે અને ઓછી જાણીતી પણ છે. ઉદાહરણ તરીકે: અશોક વાટિકામાં હનુમાનજીનાં હાથે રાવણનાં ક્યા પુત્રનો વધ થયો હતો? એનું નામ: અક્ષકુમાર. રામનાં માતા કૌશલ્યાએ અશ્ર્વમેધ યજ્ઞ બાદ દેહત્યાગ કર્યો હતો. રાક્ષસ લવણાસૂરે અયોધ્યાનાં રાજા માંધાતાની હત્યા કરી હતી. અને એ જ લવણાસૂરનો વધ પછી શત્રુઘ્નએ કર્યો હતો. મહર્ષિ જમદગ્નીની હત્યા સહસ્ત્રાર્જુને કરી હતી. લંકિની રાક્ષસીનો વધ હનુમાનજીએ માત્ર મુક્કાનાં પ્રહાર કરીને કર્યો હતો. સુંદ દૈત્યનું મૃત્યુ ઋષિ અગસ્ત્યએ શ્રાપ આપવાથી થયું હતું. રાવણનાં સેનાપતિ પ્રધસનો વધ સુગ્રિવે કર્યો હતો. અન્ય સેનાપતિ દુર્ધરનો અને યુપાશ્રનો તથા ભાસકર્ણનો વધ હનુમાનજીએ કર્યો હતો.
- Advertisement -
શ્રીરામમાં વિષ્ણુનો અર્ધાંશ હતો, ભરતમાં ચતુર્થાંશ અને લક્ષ્મણ-શત્રુઘ્નમાં અષ્ટમાંશ
શ્રીરામે પોતાનાં મનોરંજન માટે એક હાસ્યકાર રાખ્યો હતો, હાસ્યકારનું નામ: સુરાજિ
વિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી : લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો : વનવાસ કાળમાં સિતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા.
શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશ. સહસ્ત્રાર્જુન માહિષ્મતિ (‘બાહુબલી’ ફિલ્મ યાદ આવી ગઈ?)નો રાજા હતો. કુબેરનાં રાજ્યનું નામ: અલ્કાપુરી. લવણાસૂર મધુપુરનો રાજા હતો એ પછી શત્રુઘ્ન ત્યાંનો રાજા બન્યો. અંગદ હતો કારૂપથનો રાજા. રામનાં નાના ભાનુમાન કોશલનાં રાજા હતા. રામ બાદ અયોધ્યાનો રાજા કુશ બન્યો હતો પણ તેનું અલગ રાજ્ય પણ તેણે વસાવ્યું હતું.
શ્રીરામ વિષ્ણુનાં અવતાર હતા, એ જાણીતી વાત છે. પરંતુ તેમનામાં વિષ્ણુનો કેટલો અંશ હતો? જવાબ છે: અર્ધાંશ. લક્ષ્મણમાં અષ્ટમાંશ હતો, શત્રુઘ્નમાં પણ અષ્ટમાંશ જ્યારે ભરતમાં ચતુર્થાંશ. વાનર વીર અંગદનો જન્મ બૃહસ્પતિ (ગુરુ)ના અંશમાંથી થયો હતો. રાજા દશરથને ઘેર પારણું બંધાય તે માટે તેમનાં માટે પુત્રેષ્ટિ યજ્ઞ ઋષ્યશૃંગએ કરાવ્યો હતો. જો કે, રાજા દશરથનાં ગુરુ તથા મંત્રી ઋષિ જાબાલી હતા. લ્યો! આ એક સાવ અજાણી માહિતી: યુદ્ધ વગેરેનાં ટેન્શનમાં રાત-દિવસ ડુબેલાં રહેતા શ્રીરામે પોતાનાં મનોરંજન માટે- હળવા થવા એક હાસ્યકાર રાખ્યો હતો. હાસ્યકારનું નામ: સુરાજિ. તે રામ સહિત સમગ્ર સેનાને મનોરંજન પીરસતા. એક રાક્ષસી હતી- જેણે સ્વપ્ન નિહાળ્યું હતું કે રાક્ષસોનો વિનાશ થશે અને શ્રીરામનો વિજય થશે. એ રાક્ષસી એટલે: ત્રિજટા. મેઘનાદ જ્યારે યુદ્ધ કરતો ત્યારે એ અવશ્ય ચંદન ઘોનાં ચામડામાંથી બનેલા હાથમોજાં પહેરતો. કુબેરનું એક નામ એકાક્ષપિંગલી પણ હતું.
રાવણ પૂર્વજન્મમાં હિરણ્યકશિપુ હતો અને સૌથી આદિ રાક્ષસ હતો, હેતી. શ્રીરામ યિવિદ નામનાં વાનરને વરદાન આપ્યું છે કે એ કળિયુગનાં અંત સુધી જીવિત રહેશે. વિશ્ર્વામિત્ર પાસે સૃષ્ટિની સામે પ્રતિસૃષ્ટિનાં સર્જનની ક્ષમતા પણ હતી. એ ક્યા રાજા છે- જે નક્ષત્ર બનીને આજે પણ આકાશમાં પ્રકાશિત ગણાય છે? એમનું નામ: ત્રિશંકૂ. રામાયણનાં યુદ્ધમાં એક એવી વનસ્પતિનું વર્ણન આવે છે- જે બાણ-ભાલાના જખ્મ રૂઝાવીને શરીરનાં એ ભાગને પૂર્વવત કરવાનું કામ કરે છે, એ વનસ્પતિ એટલે, વિશલ્યકરણી. એવી જ રીતે યુદ્ધમાં ઘાયલ થયેલા બેશુદ્ધ યોદ્ધાના ચહેરા પર પણ રંગત લાવી દે એ ઔષધિનું નામ, સાવર્ણ્યકરણી. લવ અને કુશ સંગીત વિદ્યામાં પણ પારંગત હતા.
રામ-સિતાએ વનવાસગમન સમયે પોતાનાં તમામ કિંમતી આભૂષણો કોને આપ્યા હતા? જવાબ છે: સુયજ્ઞને. રાવણ સાથે યુદ્ધ સમયે શ્રીરામ ઈન્દ્રરથ પર સવાર હતા અને તેમનાં સારથિ હતાં માતાલી. સિતાને શોધવા નીકળેલા હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત મૈનાક પર્વતે કર્યું હતું. આખી રામાયણ જેને લીધે સર્જાઈ- એ સિતાહરણ માટે રાવણને સલાહ આપનાર કોણ હતું? નામ છે: અકંપન. રાવણનાં દરબારમાં અનેક અમાત્ય હતાં- જેમાં મહોદર, પ્રહસ્ત, ધૂમ્રાક્ષ, મારિચ, શૂક અને સારણ મુખ્ય હતા. રાવણનો એક ખાસ રાક્ષસ હતો જેણે માયા રચીને શ્રીરામનું કપાયેલું શિર દેખાડીને સિતાને વિચલિત કરવા પ્રયત્ન કર્યો હતો. એ રાક્ષસ એટલે: વિદ્યુજ્જીહવ. અચ્છા, દેવતાઓના વૈદ્ય- ચિકિત્સક કોણ હતા? અશ્ર્વિનિકુમાર. શ્રીરામ-સિતા જ્યારે વનવાસથી પરત આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા ભરતનાં એક મંત્રી ગયા હતા. તેમનું નામ: અર્થસાધક. પંચવટીમાં રામ-લક્ષ્મણ અને સિતાએ પ્રવેશ કર્યો ત્યારે ચોથું પાત્ર પણ ત્યાં હાજર હતું. એ પાત્ર એટલે: જટાયુ. વિભિષણ પાસે પણ અનેક મંત્રીઓ હતા, જેમાંના કેટલાક મંત્રીઓ એટલે અનલ, અનિલ, હર અને સંપાતિ. રાજા દશરથની પુત્રીનાં લગ્ન કોની સાથે થયા હતા? ઋષ્યશૃંગ સાથે. રાજા દશરથનું અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ માટે એકપણ પુત્ર હાજર નહોતો. તેથી તેમનાં મૃતદેહને તેલમાં ડૂબાડીને સાચવવામાં આવ્યો હતો. વિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી. લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો. વનવાસ કાળમાં સિતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા. ઋષિઓનું એ જૂથ ક્યા નામે ઓળખાય છે- જેમનો જન્મ બ્રહ્માનાં નખમાંથી થયો હતો? જવાબ છે: વૈખાનસ. એવી જ રીતે બ્રહ્માજીની રૂંવાટીમાંથી ઉત્પન્ન થયેલા ઋષિઓના સમુહને બાલખિલ્ય કહેવાય છે. માત્ર વૃક્ષોનાં પાંદડા ખાઈને તપ કરતા ઋષિઓને કહેવાય: પત્રાહાર. ગળા સુધી પાણીમાં ડૂબીને તપ કરતાં ઋષિઓ કહેવાય છે, ઉન્મજ્જક. માત્ર જળ પીને સાધના કરતા ઋષિઓ એટલે, સલિલાહાર. હવા પર જ જીવતા ઋષિઓને કહેવાય છે: વાયુભક્ષ. ગરમીની મોસમમાં ઉપરથી સૂર્યની ગરમી અને ચોતરફથી અગ્નિની ગરમી સહન કરી સાધના કરતા ઋષિઓને કહેવાય: પંચાગ્નિસેવી. વસિષ્ઠ ઉપરાંત એક અન્ય ઋષિ પણ હતા જે રાજા દશરથનાં પુરોહિત હતાં. નામ: વામદેવ. રાવણ સામે યુદ્ધ પહેલાં ઋષિ અગસ્ત્યએ રામને એક ચમત્કારીક પાઠ કરવાની સલાહ આપી હતી. એ પાઠ એટલે, આદિત્યહૃદય. દ્વારપાળ- ચોકિદારોનાં અધ્યક્ષને કહેવાય છે: પ્રદેષ્ટા.
શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશ
પ્રશ્ર્નો અને જવાબો હજુ અગણિત છે. સવાલ એ છે કે, આપણે આપણાં મહાન વૈભવી વારસા વિશે કેટલું જાણીએ છીએ! આપણે એ તો જાણીએ છીએ કે, અકબરનાં નવ રત્નો કોણ હતાં. પરંતુ રામાયણ અંગે આપણું જ્ઞાન એટલુ અલ્પ છે કે, દસ-વીસ પાત્રોમાં એ સમેટાઈ ગયું છે. આ લેખમાળા રામાયણ અંગેના આપણાં જ્ઞાનમાં થોડી વૃદ્ધિ કરે તેવી શ્રીરામને પ્રાર્થના.
ખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા.
તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ.
તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ.