- રસ્તાની નબળી ગુણવત્તા માટે કોણ જવાબદાર છે ?
- કેટલા રસ્તા ગેરંટી પીરીયડમાં હોવા છતાં રિપેર કરાવવામાં આવતા નથી ?
- દર વર્ષે ક્યાં ક્યાં રસ્તા વારંવાર બનાવવામાં આવે છે ?
- રસ્તાની નબળી ગુણવત્તા અંગે કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા ? અને કેટલાક કોન્ટ્રાકટરોને નોટિસ પાઠવવામાં આવી ?
- દર વર્ષે સમગ્ર રાજ્યમાં, મહાનગરપાલિકાઓમાં, પાલિકાઓમાં કેટલા કરોડ રૂપિયાના રસ્તાઓ વારંવાર બનાવવામાં આવે છે ?
સમગ્ર ગુજરાત રાજ્યમાં નાના મોટા શહેરો, ગામડાઓને જોડતા તથા શહેરોના આંતરિક રસ્તાઓની હાલત તદ્દન જર્જરીત હાલતમાં ગરકાવ થઈ ગઈ છે. પ્રજાના પરસેવાના કર પેટે ચૂકવેલા નાણાંથી બનાવવામાં આવતાં રસ્તાઓ એક વર્ષ પણ ટકતા નથી. અને દર વર્ષે એકના એક રોડ વારંવાર બનાવવો પડી રહ્યો છે તેવી હાલત છેલ્લા અનેક વર્ષોથી છે છતાં સત્તાધીશો અને અધિકારીઓના મેળાપીપણા સામે પ્રજા પણ મૌન ધારણ કરીને બેઠેલી છે.
ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ’ સુરેન્દ્રનગર ની હાલત ખાડા નગર જેવી બની ગઈ છે. પાલિકા અને મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવતા આંતરિક રસ્તાઓનું નામ નિશાન રહ્યું નથી. એકના એક રસ્તા દર વર્ષે રી કાર્પેટ કરવામાં આવે છે અને પ્રજાના કર પેટે ચુકવેલા નાણાંનું સત્તાધીશો અને અધિકારીઓના મેળાપીપણાને કારણે ધોવાણ થઇ રહ્યું છે.
- Advertisement -
મહાનગરના એક રોડ કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે ટેન્ડર ભાવથી ત્રીસ ટકા ઓછા ભાવ ભરીએ છીએ ત્યારે સ્પર્ધામાં કામ મળે છે. એક તો ટેન્ડરથી ત્રીસ ટકા ઓછી રકમ ભરવી પડે છે અને તેમાં સત્તાધીશો તથા અધિકારીઓને પણ ગજવે કાંઇક નાંખવાુ પડે છે. કોન્ટ્રાક્ટરોને પણ માણસોના પગાર, મશીનરી અને અન્ય ખર્ચાઓ તથા પોતાના નફાનું ધોરણ ઉમેરવું પડે છે. આમાં શું પરવડે ? અંતે રસ્તાઓ બનાવવા માટેના મટિરિયલની નબળી ગુણવત્તા અધિકારીઓને સત્તાધીશોની મૂક સંમતિ વડે રાખવામાં આવે છે જેના કારણે દર વર્ષે ચોમાસામાં રસ્તાઓનું નામથી નિશાન રહેતું નથી અને ધોવાઈ જાય છે.
અધિકારીઓ અને રાજકારણીઓના મિલા પીપળાને કારણે નાગરિકોના નાણાંનું બેફામ આંધણ મૂકવામાં આવી રહ્યું છે. પ્રજાના કરમની કઠણાઇ તો એ છે કે ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું કાંઈ રહ્યું નથી, તેથી નબળી ગુણવત્તાના બનાવવામાં આવતા રસ્તાઓને કારણે પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેનો પર્દાફાશ થઈ રહ્યો નથી.
ઉપરોક્ત તમામ પ્રશ્નોના જવાબના પાઠવવામાં અધિકારીઓ તથા રાજકારણીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે. રસ્તાના ખૂબ મોટા ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ પણ વાકેફ હોવા છતાં આ ખાડા કામ કરી રહ્યા છે. તેનાથી સત્તાધીશો અને વિરોધ પક્ષનું ઇલુ ઇલુ પણ સપાટી પર આવે છે.