આપણે એવાં અનેક બાળકો જોયાં હશે- જે શાકભાજીનું નામ સાંભળીને જ ભડકી જતાં હોય, ખાવાની વાત તો દૂરની છે. મમ્મીઓ જાતજાતની પદ્ધતિઓ- નુસખાંઓ અજમાવી તેમને વેજીટેબલ્સ ખવડાવવા પ્રયત્નો કરે. કોઈ વખત ચીઝ સેન્ડવિચમાં વેજીટેબલ્સ પધરાવી દે તો ક્યારેક પિઝામાં. છતાં બાળક મોટાભાગે એ ખાવામાંથી છટકી જ જાય.
– કિન્નર આચાર્ય
બાળકો જ નહીં, મોટાં લોકોમાં પણ આવું જોવા મળે છે. માત્ર બટેટાં કે એકાદ-બે શાક જ ખાતાં હોય તેવાં અનેક ઉદાહરણો આપણે સૌએ જોયાં જ હશે. પણ શું તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જેને વેજીટેબલ્સ જોતાવેંત જ ઉબકા આવવા માંડે? શાકભાજી જોઈને જ એ બેચેન થઈ જાય? આવી વ્યક્તિઓ પણ હોય છે. અને આ અવસ્થાને મનોવિજ્ઞાન ‘લકાનોફોબિયા’ કહે છે. લકાનોફોબિયા કોઈ એક સબ્જી માટે પણ હોઈ શકે અને અનેક વેજીટેબલ્સ માટે પણ હોઈ શકે.
- Advertisement -
ફોબિયાનું જગત અવાચક્ કરી મૂકે તેવું છે. આપણને કલ્પનામાં પણ ન આવે તેવાં ચિત્રવિચિત્ર ફોબિયાથી લોકો પીડાતાં હોય છે. વડિલોમાં આજકાલ આવો જ એક ફોબિયા જોવા મળે છે: સાયબરફોબિયા. ટેક્નોસેવ્યી નહીં હોવાનાં કારણે આવાં સિનિયર સિટિઝન્સ સ્માર્ટ ફોન્સ અને ઈન્ટરનેટ વગેરેથી રીતસર ગભરાઈ જતાં હોય છે. કેટકેટલાં ફોબિયા ગણાવીએ! પિડોફોબિયા એટલે બાળકોનો ડર. ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં શ્રીદેવીને હોય છે એ જ. આવી વ્યક્તિઓનો તોટો નથી સમાજમાં. ઘરમાં કોઈ બાળક પગ મૂકે ત્યાં જ તેમનાં મોતિયાં મરી જાય છે. અને ‘ગામોફોબિયા’થી પીડાતાં દર્દી તો શેરી દીઠ એક જોવા મળશે. ગામોફોબિયા એટલે લગ્નનો ડર. મનોવિજ્ઞાન કહે છે કે, આવો ફોબિયા હોવાનાં એકાધિક કારણો હોઈ શકે છે. સૌથી મોટું કારણ છે, જવાબદારીથી ભાગવાની વૃત્તિ. બીજું અને મહત્ત્વપૂર્ણ કારણ છે, કમિટમેન્ટ નહીં પાળી શકવાનો ભય. છેલ્લાં પાંચેક વર્ષમાં બોલિવૂડમાં આ વિષયની વાત કરતી અનેક ફિલ્મો બની ચૂકી છે.
ઈન્ટરનેટ પર સર્ચ કરો તો ફોબિયાની આખી એબીસીડી મળે છે. એક્લુફોબિયા એટલે અંધારાનો ડર, એક્રોફોબિયા એટલે ઊંચાઈની બીક, એરોફોબિયા એટલે પ્લેન વગેરેમાં ઉડવાનો ફોબિયા, એગોરાફોબિયા એટલે ખૂલ્લી જગ્યાનો અથવા ભીડનો ડર. એમેક્સોફોબિયાનો અર્થ થાય કારમાં બેસવાની બીક, એન્ડ્રોફોબિયા મોટા ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે, તેનો અર્થ થાય છે, પુરુષનો ડર અથવા તો પુરુષથી ડર. ગાયનોફોબિયા એટલે સ્ત્રીથી ડર. એન્થ્રોફોબિયા એટલે ફૂલોથી થતો ગભરાટ. એફેન્ફોસ્મફોબિયા એટલે કોઈનાં દ્વારા સ્પર્શનો ડર. કોઈને વળી પુસ્તકનો ડર પણ હોય છે. સામે બૂક જૂએ ત્યાં હાજાં ગગડી જાય. આ ફોબિયાનું નામ છે: બિબ્લિયોફોબિયા. ગંદકી જોઈને ભીતરથી થથરી જાય એ ડરનું વૈજ્ઞાનિક નામ છે, કાકોફોબિયા. શ્ર્વાનથી ઘણાં લોકોને ભયાનક સૂગ હોય- ચીડ હોય છે- તેને કહેવાય, સાયનોફોબિયા. બિલાડીથી આવો જ ડર હોય તો તેને કહેવાય એલ્યુરોફોબિયા. અશ્ર્વો-ઘોડાંથી ડર માટેનો ખાસ શબ્દ છે, ઈક્વિનોફોબિયા. માખી-મચ્છરનો પણ ફોબિયા હોય છે- તેને કહેવાય: ઈન્સેક્ટોફોબિયા. કેટલાંક લોકો ડૉક્ટર્સનું નામ સાંભળીને જ ધ્રુજી જાય છે- આ મનોસ્થિતિ ઈયાટ્રોફોબિયા કહેવાય છે. બાળકને જન્મ આપવામાં પણ ઘણી સ્ત્રીઓને ભયાનક બીક લાગે છે, કેટલીક સ્ત્રીઓ તો આ કારણે જ પ્રેગનન્સીથી બચતી રહે છે, મનોવિજ્ઞાન તેને લોકિયોફોબિયા કહે છે. હોસ્પિટલનાં ડરને કહેવાય: નોસોકોમેફોબિયા. અને એક છે લાંબા શબ્દોનો ફોબિયા. નામ છે: હિપ્પોપોટોમોન્સ્ટ્રોસીક્વિપિડાલિફોબિયા. આવડો શબ્દ વાંચીને જેને ફોબિયા ન હોય તેને પણ થઈ જાય.
માનવામાં ન આવે એવી વાત છે: રંગોનો પણ ડર હોય છે.
માનવામાં ન આવે એવી વાત છે, રંગોનો પણ ડર હોય છે. સફેદ કલરની બીકને લ્યૂકોફોબિયા અને કાળા રંગના ડરને મેલાનોફોબિયા કહે છે, મૃત્યુનો ડર બધાને હોય છે પરંતુ રાત-દિવસ તેનાંથી બીક લાગતી હોય તો તેને કહેવાય નેક્રોફોબિયા
સફેદ કલરની બીકને લ્યૂકોફોબિયા અને કાળા રંગના ડરને મેલાનોફોબિયા કહે છે. મૃત્યુનો ડર બધાને હોય છે. પરંતુ રાત-દિવસ તેનાંથી બીક લાગતી હોય તો તેને કહેવાય નેક્રોફોબિયા. સાપથી સતત ફડક રહેતી હોય તો એ માનસિક સ્થિતિને કહેવાય ઓફિડિયોફોબિયા. બીમારીનાં ડરને પેથોફોબિયા કહેવામાં આવે છે. પ્રેમથી દૂર ભાગતાં લોકો ફિલોફોબિયા અને આગથી ડર હોય તો કહેવાય પાયરોફોબિયા. સ્કૂલથી ડર હોય તેને સ્કોસિયોનોફોબિયા. સ્પીડનો પણ ફોબિયા હોય: ટેકોફોબિયા. સુંદર સ્ત્રીઓનો પણ ડર હોય? હોય. કેટલાંક લોકો બ્યૂટીફૂલ સ્ત્રીઓની નજીક જતાં પણ ડરે છે. આને કહેવાય વેનુસ્ટ્રોફોબિયા.
- Advertisement -
નોમોફોબિયા તમને પણ હોય, મને પણ હોય, દસમાંથી અગિયાર વ્યક્તિને હોય છે. નોમોફોબિયા એટલે મોબાઈલ વગર રહી જવાની ભીતિ. ઘેરથી મોબાઈલ ભૂલીને ક્યારેક ઑફિસ પહોંચી ગયા હોઈએ અને પછી જે અકળામણ, મૂંઝવણ થાય- તે નોમોફોબિયા. કઠપૂતળીનો પણ ફોબિયા હોય છે, ચીઝ અને બીટરનો, કપડાં ધોવાનો, સાસુ-સસરાનો (પેન્થરોફોબિયા) દાઢીનો, યુવાનીનો અને ઘડપણનો, સૂવાનો અને ફુગ્ગાનો…. આ બધી બાબતોનાં ફોબિયા હોય છે.
મનુષ્યનાં દિમાગનો તાગ પૂર્ણત: કોઈ પામી શક્યું નથી. વિજ્ઞાન પણ હજુ એ દિશામાં પૂર્ણપણે પ્રગતિ સાધી શક્યું નથી. મગજનાં તાણાવાણા ઉકેલવાની મથામણ સદીઓથી અનેક લોકો કરી રહ્યાં છે. યોગીઓથી લઈ ને સાયન્ટિસ્ટ સુધી બધાંને દિમાગનાં અનેક રહસ્યોનો તાગ મેળવવો છે. પણ, હજુ એ દિશામાં આપણી યાત્રા શરૂ પણ માંડ થઈ છે.
કોઈ વ્યક્તિને કોઈ અજબગજબ ડર શા માટે લાગે છે, એ પાછળનું કોઈ વેલિડ લોજિક, કોઈ માન્ય તર્ક નથી. કોઈને સતત સાપનો ડર શા માટે લાગે છે? કોઈને કેરી જોતાવેંત જ ઉબકા શા માટે આવે છે? કોઈ વ્યક્તિ જળમધ્યે જઈ શા માટે થરથરી ઉઠે છે- એ કોઈ સમજી શક્યું નથી.
શું કોઈ ચોક્કસ ફોબિયા પાછળ પૂર્વજન્મની ઘટના જવાબદાર હોય છે? કોઈ સાબિતી નથી. શું બાળપણ- ભૂતકાળમાં ભંડારાયેલી સ્મૃતિઓને તેની સાથે સંબંધ છે? કોઈ પુરાવા નથી.
સત્ય એ જ છે કે, ફોબિયા જેને હોય છે એ ખુદ પણ મોટાભાગે તેનું કારણ જાણતા નથી હોતાં. એટલે જ મનોવિજ્ઞાન, મેડિકલ સાયન્સ અને અધ્યાત્મ જગત માટે પણ એ વણઉકેલાયેલો કે અર્ધઉકેલ્યો કોયડો જ રહ્યો છે.