લાખાજીરાજ શાક માર્કેટનું 6 કરોડના ખર્ચે રિનોવેશન કરવા ટેન્ડર જાહેર
ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાશે, મંજૂરી બાદ 18 મહિનામાં માર્કેટ નવા રંગરૂપમાં જોવા મળશે
- Advertisement -
ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે.
આ માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ મંજુર થયેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ અંદાજે 18 મહિનામાં લોકોને પોતાની જૂની અને જાણીતી આ માર્કેટ નવા રંગરૂપમાં જોવા મળશે. એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક હેરિટેજ બિલ્ડિંગ હોવાથી તેના મૂળ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યા વગર ‘રેટ્રો ફિટિંગ’ પદ્ધતિથી તેને મજબૂત બનાવવામાં આવશે. બાંધકામ શાખાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ બાદ આ માર્કેટને ખાલી કરાવી રિનોવેશનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 6 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ રિનોવેશન કામગીરીમાં હેરિટેજ મિલકતનો દરજ્જો જાળવી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ કામગીરી માટે અંદાજે રૂ. 5.63 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેના ઉપર ૠજઝ એડ થતા આ ઐતિહાસિક માર્કેટનાં રીનોવેશનનો ખર્ચ રૂ. 6 કરોડથી વધુ થવાની ધારણા છે. આ હેરિટેજ માર્કેટ હોવાથી તેને તોડી પાડવાને બદલે તેના મૂળ સ્થાપત્યને સાચવીને તેનું આધુનિકીકરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, લાખાજીરાજ માર્કેટ રાજાશાહી સમયની હોય તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે, જેના કારણે તેના રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવામાં આવશે.
માર્કેટના નવા પ્લાનિંગ મુજબ, સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અહીં શાકમાર્કેટની અંદર 144 થડા, બહાર 38 થડા, 22 વખાર (ગોડાઉન) અને 4 દુકાન હતી. જોકે આ પૈકી 80 જેટલા થડા અને 16 જેટલી વખાર ચાલુ હતી, રિનોવેશન બાદ અહીં કુલ 148 થડા, 22 દુકાનો અને અંદાજે 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. સમગ્ર શાક માર્કેટનો એરિયા કુલ 1380 ચોરસમીટર છે, જેમાં 320 ચો. મીટર વિસ્તારમાં દુકાનોનું નિર્માણ થશે. આ વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળી રહેશે. અને ગ્રાહકોને પણ આધુનિક સુવિધાઓ સાથે હેરિટેજ માર્કેટનો અનુભવ મળશે.
ઉલ્લેખનીય છે કે ગતવર્ષે બજેટમાં શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી ત્યાં હોકર્સ ઝોન બનાવવાનો નિર્ણય કરાયો હતો. જોકે આ જાહેરાત બાદ ત્યાં જ થડા તેમજ વખાર ધરાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ માર્કેટનું રિનોવેશન કરવાનો રસ્તો પણ ખુલ્યો હતો. અને દિવાળી બાદ મહાપાલિકાએ માર્કેટનો કબજો પણ લઈ લીધો હતો. કબજો લીધો તે પહેલાં અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર કાર્યરત હતી. હાલમાં લાખાજીરાજ માર્કેટના આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા છે.



