આયોજનના અભાવે ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા: સ્થિતિ તંગ બનતા પોલીસ બોલાવવી પડી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
- Advertisement -
હળવદની સેન્ટ્રલ બેંકમાં શુક્રવારે વહેલી સવારથી 10 અને 20 રૂપિયાની ચલણી નોટો તથા સિક્કાના વિતરણ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, બેંક તંત્રની અણઆવડત અને યોગ્ય આયોજનના અભાવે ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રાહકોનો આક્ષેપ છે કે કોઈ ટોકન સિસ્ટમ ન હોવાથી લાગતા-વળગતા લોકો વચ્ચે ઘૂસી જતા હતા, જ્યારે સામાન્ય નાગરિકો 3 થી 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખાલી હાથે પરત ફર્યા હતા.
બેંક પરિસરમાં સ્થિતિ એટલી હદે તંગ બની હતી કે લોકોના રોષને શાંત પાડવા માટે બેંક મેનેજમેન્ટે પોલીસની મદદ લેવી પડી હતી. ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે બેંક પોતાની નિષ્ફળતા છુપાવવા પોલીસ દ્વારા જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક જાગૃત નાગરિક રામજીભાઈએ જણાવ્યું કે, યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે અને અંતે નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે.
આ મામલે બેંક મેનેજર તુષાર મોટવાણીએ જણાવ્યું હતું કે, બેંક પાસે કુલ ₹8.50 લાખની ચલણી નોટો આવી છે અને નિયમ મુજબ એક આધાર કાર્ડ દીઠ ₹4250નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, મર્યાદિત જથ્થો અને ઉમટી પડેલી ભીડને કારણે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી. બીજી તરફ, નાના મૂલ્યની નોટો માટે નાગરિકોને આ પ્રકારે રઝળપાટ કરાવવો તે બેંકની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કરે છે.



