હોટલ, ડેરી અને ફરસાણના વેપારીઓને ત્યાં કડક ચેકિંગ: લાયસન્સ વગરના ધંધાર્થીઓને તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
- Advertisement -
અખાદ્ય પદાર્થો અને કલરનો નાશ મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરમાં ખાણી-પીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને ત્યાંથી અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને 500 કિલોગ્રામ જેટલો હાનિકારક અખાદ્ય કલર મળી આવતા ફૂડ શાખાએ તાત્કાલિક અસરથી તેનો નિકાલ કર્યો હતો. શુદ્ધતાની ખાતરી માટે મોમાઈ ડેરી અને ખોડિયાર ડેરી જેવી જાણીતી ડેરીઓ પરથી દૂધના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
શહેરમાં સ્વચ્છતાના ધોરણો ન જાળવતા અને ગંદકી રાખતા 15 જેટલા ડેરી, હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને ફૂડ શાખા દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ તમામ વેપારીઓને સૂચના આપી છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ નથી, તેમને તાત્કાલિક ઓનલાઇન પ્રક્રિયા દ્વારા લાયસન્સ મેળવી લેવા માટે અંતિમ તાકીદ કરવામાં આવી છે.
મોરબી મનપાની ફૂડ શાખાએ એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે. જો કોઈ વેપારી પાસે વેલિડ લાયસન્સ નહીં હોય અથવા સ્વચ્છતાનો અભાવ જોવા મળશે, તો તેવા એકમો સામે સીલિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે પાલિકા લાલ આંખ કરશે.



