અગાથા ક્રિસ્ટીની કથાના જાસુસી પાત્રો પોઇરો કે માર્પલ હોય કે બંગાળી સાહિત્યના ફેલુદા કે બ્યોમકેશ બક્ષી કે પછી હોલીવૂડની ફિલ્મોનો પ્રખ્યાત જાસુસ જેમ્સ બોન્ડ હોય, બધાના પિતામહ કહી શકાય એવું પાત્ર એટલે શેરલોક હોમ્સ.
આર્થર કોનન ડોયલના જાસુસી પાત્રની છાપ તમને આજે 140 વર્ષે પણ દરેક જાસુસી કથા, સિરિયલ અને ફિલ્મો પર જોવા મળશે. શેરલોક હોમ્સના પાત્રને સાંકળી 56 ટૂંકી વાર્તા અને ચાર નવલકથા લખાઈ છે. તેના પરથી કેટલીય ફિલ્મો, ટી.વી. સિરિયલ અને વેબસિરિઝ બની, પણ આજે પણ શેરલોક હોમ્સની લોકચાહનામાં લેસમાત્ર ઘટાડો આવ્યો નથી.
ગુજરાતી ભાષામાં પણ એક સદીથી શેરલોક હોમ્સની વાર્તા નવલકથાના અનુવાદો પ્રકાશિત થતા રહ્યા છે. મોટા ભાગની વાર્તાઓ એકથી વધુ અનુવાદકોએ અનુવાદ કરી છે. ઘણા અનુવાદો છતાં શેરલોક હોમ્સની અંતિમ નવલકથા વેલી ઓફ ફિયરનો ગુજરાતી અનુવાદ ક્યારેય પ્રકાશિત થયો ન હતો. વેલી ઓફ ફિયર નવલકથા સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.
વેલી ઓફ ફિયર નવલકથા બે ભાગમાં લખાઈ છે પ્રથમ ભાગની પૃષ્ઠભૂમિ ઇંગ્લેન્ડ છે, જ્યારે બીજો ભાગ અમેરિકાની પૃષ્ઠભૂમિ પર લખાયો છે. બંને ભાગને અંતે તેને સાંકળવામાં આવે છે. વાચકને બે જુદી વાર્તાઓ વાંચતાઓ હોય તેવી અનુભૂતિ થાય છે. હોમ્સની વિશિષ્ઠ કાર્યશૈલી અને અવલોકન કરવાની ક્ષમતાનો પરિચય આ કથામાં વધુ સારી રીતે થયો છે. હોમ્સ પણ કથામાં સ્વીકારે છે કે તેણે ઉકેલેલા કેસમાં આ સૌથી ગૂંચવણ ભર્યા કેસમાંથી એક છે. શેરલોક હોમ્સ સાથે કથાનું બીજું એક પાત્ર મોરિયાર્ટી પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આર્થર કોનન ડોયલે ફાઈનલ પ્રોબ્લેમ નામની ટૂંકી વાર્તામાં મોરિયાર્ટી શેરલોક હોમ્સની મારી નાખે છે, એવું બતાવ્યું હતું. તેની કથાઓને ત્યાં જ પૂરી કરવાનું નક્કી કર્યું હતું. પણ લોક માંગણીને માન આપી લેખકને શેરલોક હોમ્સના પાત્રને ફરી જીવંત કરવું પડ્યું હતું. એજ હોમ્સનો કટ્ટ્રર દુશ્મન મોરિયાર્ટી આ કથામાં ફરી આવે છે. વાચકને આ પુસ્તક રહસ્ય અને રોમાંચની અનેરી સફરે લઈ જશે.
માનનીય લેખક સુરેશ દલાલ ના શબ્દોમાં કહીએ તો અનુવાદ એટલે અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં તેની સુગંધ ગુમાવ્યા વિના રેડવાનું કામ. પુસ્તકના અનુવાદક જીગર શાહે આ કાર્યને આબાદ રીતે પાર પાડ્યું છે. અગાઉ થયેલા શેરલોક હોમ્સના અન્ય અનુવાદો ક્યાંક થોડા સંક્ષિપ્ત હતા. પણ આ કથા સંપૂર્ણ અનુવાદ કરવામાં આવી છે. નવલકથામાં લેખકની બ્રિટિશ લેખન શૈલી જાળવી રાખવામાં આવી છે. બર્લસ્ટોનના વર્ણનો વાંચતા 19ની સદીના ઇગ્લેન્ડનું દૃશ્ય નજર સામે આવી જાય છે. આ અગાઉ જીગર શાહે શેરલોક હોમ્સની બે નવલકથાઓ સ્ટડી ઇન સ્કારલેટ અને સાઈન ઓફ ફોરના સંપૂર્ણ અનુવાદ ગુજરાતીમાં કર્યાં હતા. જે રહસ્ય કથાના શોખીન વાચકોએ અચૂક વાંચવા રહ્યાં. સ્ટડી ઇન સ્કારલેટ, આર્થર કોનન ડોયલની શેરલોક હોમ્સ શ્રેણીની પ્રથમ નવલકથા હતી. શેરલોક હોમ્સને વાંચવા ઇચ્છતા વાચકોએ તેની શરૂઆત સ્ટડી ઇન સ્કારલેટ પુસ્તકથી કરવી જોઇએ. કદાચ ગુજરાતી ભાષામાં અંગ્રેજી સાહિત્યના શ્રેષ્ઠ અનુવાદો કરી શકે એવા ગણ્યાં ગાંઠ્યાં અનુવાદકો છે. જેમાં જીગર શાહને એક ગણી શકાય. આ કથા સૌ પ્રથમ ગુજરાતી વાચકોને આપવા બદલ અનુવાદક અભિનંદનને પાત્ર છે.
જાસૂસીના પિતામહ શેરલોક હોમ્સની વાપસી: ‘વેલી ઓફ ફિયર’નું ગુજરાતીમાં આગમન



