મહારાષ્ટ્રમાં કોર્પોરેશન ચૂંટણીઓ થઈ જેને કારણે ઠાકરે અટક ખૂબ ચર્ચાઈ
આપણે એના રાજકારણમાં નથી ઉતરવું પણ આ ઠાકરે અટક ની શબ્દયાત્રા કરવાની મજા પડે એવું છે તો એ કરીએ
- Advertisement -
ભારતમાં ઠાકુર, ઠક્કર, ઠાકોર, ઠાકર, ઠાકરે, ઠાકરશી જેવી અટકો પ્રચલિત છે. ઠાકુર બંગાળ બિહાર, યુપી, એમપીથી લઈને છેક હિમાચલ અને મહારાષ્ટ્રમાં પણ છે. ઠક્કર અટક સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે જે લોહાણા સમાજના લોકોમાં વ્યાપક છે. ઠાકર બ્રાહ્મણ અટક છે તો ઠાકોર અટક ઠાકોર તરીકે ઓળખાતા સમાજમાં છે અને બ્રહ્મક્ષત્રિય સમાજમાં પણ ઠાકોર અટક જોવા મળે છે. બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરની ખરી અટક ઠાકુર હતી પણ અંગ્રેજોએ એને “ટાગોર” બનાવી દીધી ! અને આપણે લોકો હજી એમને ટાગોર કહીએ છીએ તે કેવી વક્રતા !!
ઠાકોર/ઠાકુર/ઠક્કર/ઠાકરશી અટકો જમીનદાર વર્ગો સાથે સંકળાયેલી છે. જેઓ વિશાળ જમીનો ધરાવતા જાગીરદારો હતાં તેઓને ઠાકુર, ઠક્કર, ઠાકોર, ઠાકર કહેવાયા છે. હિન્દી ફિલ્મોમાં ઉત્તર ભારતના જાગીરદાર ઠાકુર લોકોને અત્યાચારી, દુરાચારી અને અભિમાની ચીતરવામાં આવતા જે હિન્દી ફિલ્મો ઉપર સામ્યવાદી વિચારધારાના લોકોની પકડ અને એમની વૈચારિક ખંધાઈને કારણે શક્ય બનેલું.
આ ઠક્કર/ઠાકોર/ઠાકુર શબ્દ આવ્યો ક્યાંથી તે જાણવું બહુ રસપ્રદ છે. ચાલો જાણીએ.
સંસ્કૃતમાં એક શબ્દ છે : સ્થગ . સ્થગનો અર્થ થાય છુપુ, છુપાવેલું, ઢાંકેલું, …બસ્સો વર્ષ પેહલા મધ્ય ભારતમાં અમુક લોકો ટોળકીઓ બનાવીને છૂપા વેશે લોકોને લૂંટવાનું કામ કરતા , આ એમની જે “છૂપા રહેવાની” કળા હતી એને કારણે એમને સ્થગ પરથી ઠગ કહેવાયા.
આ સ્થગ શબ્દ ઈરાનમાં પણ હતો. ઈરાની ભાષા સંસ્કૃતથી પ્રેરિત છે. ઈરાન ભારતવર્ષ નું એક ભાગ હતું એટલે ઈરાની /ફારસી ભાષામાં મોટાભાગના શબ્દો સંસ્કૃતથી ઉતરી આવેલા છે.
ઈરાનમાં વાળને ઢાંકવા , છુપાવવા માટે જે ઓઢવામાં આવે એને સ્થગ પરથી તુગ /તગ કહેવામાં આવે છે. ટર્કિશ ભાષામાં પણ આ શબ્દ ઘૂસ્યો. પણ તુગ કે તગ શબ્દ ધીમે ધીમે “તાજ” બની ગયો. તાજ એટલે ક્રાઉન. કેમકે માથે વાળને ઢાંકતી મોટી સુંદર પાઘડી પહેરવાની સત્તા માત્ર રાજાઓ અને ધનવાન જમીનદાર લોકોને હતી. આ જમીનદાર લોકો “તાજવર” કહેવાયા. તુર્કીમાં આ લોકો “તુગવર” કહેવાયા. તાજ ધરાવનાર માણસ એટલે તાજવર. નામ ધરાવતો માણસ નામવર..
ભારતમાં ઇસ્લામિક આક્રમણોને કારણે સલ્તનત કાળ કહેવાતો સમય આવ્યો (જેના પછી મુગલો આવ્યા જેમણે આ સલ્તનત વાળાઓ ને હરાવીને જેર કર્યા) . સલ્તનત કાળ ને કારણે ભારતમાં તુર્કીશ અને ઈરાની ભાષા નો પ્રભાવ વધ્યો. એટલે જમીનદાર લોકોને ભારતમાં પણ તુગવર કહેવાવા લાગ્યા.
આ તુગવર શબ્દ હળવે હળવે ઠકર, ઠાકર, ઠાકોર, ઠાકરે, ઠાકુર માં પરિવર્તિત થયો.
જમીનદારો માત્ર જમીનોના નહિ પણ અનેક શ્રમિકો, સેવકોના પણ સ્વામી હતા. આથી એમની સત્તાઓ અને ઐશ્વર્ય આજે પણ કોઈને ઈર્ષા થાય એવા હતા. આથી શ્રીકૃષ્ણ ને આરાધ્ય ઇષ્ટ દેવ માનતા સંપ્રદાયોમાં શ્રીકૃષ્ણને પણ આપણા “સ્વામી” એટલે કે ઠાકુરજી કે ઠાકોરજી કહેવામાં આવ્યા. સ્વામી શબ્દ પણ ઇશ્વર માટે વપરાયો જ હતો. સાંઈ શબ્દ સ્વામીનો અપભ્રંશ છે. કેમકે ભારતમાં એકસમયે ખૂબ પ્રચલિત નાથ સંપ્રદાયમાં ઈશ્વરને નાથ કહેવાતા. નાથ , સ્વામી અને ઠાકુરજી ત્રણેય એક જ !!!
ઠાકરે બંધુઓની અટક પર પરત આવીએ તો એમની અટક જરા વિશિષ્ટ છે. એમના દાદા અને જબરા રાજકારણી અને સાથે સારા કાર્ટૂનિસ્ટ એવા પ્રબોધનકાર ઠાકરે ની બાળપણની સરનેમ ઠાકરે નહોતી. એણે એ અટક અપનાવી હતી. પરંતુ એ સમયે તે કાર્ટૂનિસ્ટ નહોતા.
એક ગજબ યોગાનુયોગ પ્રબોધનકાર ઠાકરેજી સાથે એ થયો કે સમય જતા પ્રબોધનકાર વિલિયમ મેકપિસ ઠાકરે નામના એક બ્રિટિશ લેખક અને કાર્ટૂનિસ્ટ થી પ્રભાવિત થયા ! આ વિલિયમ ઠાકરે કોલકાતામાં જનમ્યા હતા ! વળી બાળાસાહેબ ઠાકરે અને એમના ભત્રીજા રાજ ઠાકરે પણ આ વારસો સાચવીને સારા કાર્ટૂનિસ્ટ બન્યા ..
ઠાકરે અટક બ્રિટિશ લોકોમાં પણ છે તે પોતે એક મોટા આશ્ચર્યની વાત છે. બ્રિટિશરો એ આજની લોકશાહી વ્યવસ્થા આપી જેના મૂળમાં રાજા પાસેથી સત્તાઓ આંચકી લેવા માંગતા જમીનદારોએ એકઠા થઈને કરેલ બળવો હતો.
ઠાકોર, ઠાકરે, ઠક્કર અને ઠાકુર — એક ઉજ્જવળ ઇતિહાસ સાથે જોડાયેલ શબ્દો છે જે યાદ રાખવો જરૂરી છે.



