8 મહાનગરના પદાધિકારીઓને તેડાવતાં મુખ્યમંત્રી
બજેટ પૂર્વે મહાનગરોની જરૂરિયાતો પર મંથન: સરકાર આપશે વિકાસ માટે વિશેષ ફંડ
- Advertisement -
બજેટમાં શહેરી વિકાસ માટે નવી જોગવાઈઓ કરવા મેયર-કમિશનરો સાથે સીધો સંવાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે રાજ્યના તમામ આઠ મહાનગરોના મેયર, કમિશ્નર અને સ્ટેન્ડીંગ ચેરમેનોને ગાંધીનગર તેડાવ્યા છે. પડતર વિકાસકામો, મંજુરીઓ અંગે સરકારે ચૂંટાયેલા લોકો સાથે ચર્ચા કરી છે.
મહાપાલિકાઓની ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર જરૂરી કામો મંજૂર થાય અને શરૂ પણ થાય તેવું ઇચ્છે છે. આજે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તે બાદ સાંજે મુખ્યમંત્રી તમામ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
ગુજરાતના શહેરી વિકાસને વેગ આપવા અને આગામી આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 8 મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનોને બપોરે ગાંધીનગર હાજર રહેવા સુચના આપવામાં આવી છે.
આ બેઠકનો મુખ્ય એજન્ડા મહાનગરોમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટસની સમીક્ષા કરવાનો છે. તેમજ રાજ્યના આગામી બજેટ સંદર્ભની ચર્ચા માટે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય બજેટ બાદ રાજ્ય બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટ પહેલા તમામ મેયર, કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેન સાથેની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. એવી ચર્ચાઓ છે કે, આ બેઠક દ્વારા મહાનગરોની જરુરીયાતો અને અપેક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. જેથી આગામી બજેટમાં શહેરી વિકાસ માટે યોગ્ય જોગવાઇઓ કરી શકાય અને મહાનગરપાલિકાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બજેટ જોગવાઇઓ કરી શકાય.
મુખ્યમંત્રી સીધા જ કમિશ્રનરો અને પદાધિકારીઓ સાથે સંવાદ કરીને વહીવટી પારદર્શિતા અને ઝડપ લાવવા માંગે છે. કોર્પો.ના બજેટમાં લેવાની યોજનાઓ અંગે પણ સરકાર માર્ગદર્શન આપે તેવી શક્યતા છે.
- Advertisement -



