400 કરોડની સરકારી જગ્યા ખાલી કરાવવા
1358 મિલકત ધારકોને હવે વધુ સમય નહીં અપાય
- Advertisement -
ગાંધીનગરની લીલી ઝંડીની રાહ, રાજકોટમાં ડિમોલિશન ગમે ત્યારે શરૂ થઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વરમાં રૂ.400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલીશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાનિકોની વ્હારે કોંગ્રેસ સભા ગજવી ચૂક્યું છે. અહીં રહેતા 15000 જેટલા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે. આ સાથે જ હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મૂજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે.
આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જંગલેશ્વરના 1358 મિલકત ધારકોને દબાણ હટાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેથી હવે વધારાનો સમય આપવાની કોઈ વાત રહેતી નથી. બીજી તરફ, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા ડિમોલિશનની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. ગાંધીનગરથી લીલી ઝંડી મળ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડિમોલિશન દરમિયાન અન્ય જિલ્લાની પોલીસ તેમજ રેવન્યુ સ્ટાફની મદદ લેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. ગાંધીનગરથી સૂચના મળતાં જ કોઈ પણ સમયે કાર્યવાહી શરૂ થઈ શકે તેવી પરિસ્થિતિ છે.
- Advertisement -
આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો : કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જેટલી પણ જમીન છે તે ખાલી કરાવવા માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. રાજકોટના જંગલેશ્ર્વરમાં દબાણકર્તાઓને લીગલી સાંભળવામાં આવેલા છે. દરેક દબાણકર્તાઓને ત્રણ વખત સાંભળવામાં આવેલા છે અને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ ડિમોલિશન માટે 202ની નોટિસ આપવામાં આવી છે.



