તિજોરી ખાલી થવાની કગાર પર : બજેટ શહેરને રાહત આપશે કે પ્રજાને ઝટકો?
અધૂરી યોજનાઓ અને નાણાંની તંગી વચ્ચે રજૂ થશે મનપાનું પ્રસ્તાવિત બજેટ
- Advertisement -
રાજકોટ મહાપાલિકાનું પ્રસ્તાવિત બજેટ આગામી શનિવાર કે
સોમવારે, ચૂંટણી માથે હોવાથી શાસકો વધારો ફગાવે તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાપાલિકાની આર્થિક સ્થિતિ હાલ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તિજોરીના તળિયા દેખાવા લાગતા હવે શહેરના વિકાસકામો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રજા પર મોટો કરબોજ ઝીંકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ અમૃત 2.0 યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની નોબત આવી છે, તો બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી પુરવઠા જેવા વિભાગોમાં આવક અને ખર્ચ વચ્ચેનું ગાબડું સતત વધી રહ્યું છે. ત્યારે સંભવત: આગામી શનિવારે કે સોમવારે રજૂ થનારા પ્રસ્તાવિત બજેટમાં મ્યુ. કમિશનર પ્રજા ઉપર વધારાનો કરબોજ ઝીંકે તેવી પૂરતી શક્યતા છે. જોકે ચૂંટણી માથે હોવાથી શાસકો આ વધારાને મહદઅંશે ફગાવશે તેવું પણ લાગી રહ્યું છે. તેમજ દિવ્યાંગો માટે ગાર્ડન સહિતની નવી યોજનાઓ બજેટમાં જોવા મળે તેવી સંભાવના છે. મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પ્રોજેક્ટ મુખ્ય ગણાય છે. અગાઉ જે કામગીરી વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતી હતી, તેમાં રૂ. 90 કરોડનો તોતિંગ વધારો કરીને નવો કોન્ટ્રાક્ટ વાર્ષિક રૂ. 120 કરોડના ખર્ચે આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 1107 કરોડનો હોવાનું જાણવા મળે છે. કરાર મુજબ દર વર્ષે આ ખર્ચમાં 5%નો વધારો થશે, જેનો અર્થ એ છે કે દર વર્ષે મનપા પર રૂ. 1200 કરોડનો વધારાનો બોજ પડતો રહેશે. આ આર્થિક ભારણ આખરે પ્રજાની પીઠ પર જ આવવાનું છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ખર્ચ છતાં બજેટમાં જાહેર થયેલા 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે. (અનુસંધાન પાના નં.10 ઉપર)
મહાપાલિકાની ખોરંભે પડેલી યોજનાઓ
સ્માર્ટ રિંગ રોડ અને આકર્ષક કઊઉ લાઈટ્સ
નવા મોડેલ એન્ટ્રી ગેટ
વોર્ડ નં. 14માં કોમ્યુનિટી હોલ
રેલનગરમાં શાક માર્કેટ
રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ
અમૃત 2.0 માટે રૂપિયા 200 કરોડની લોન, રાજકોટના વિકાસની કિંમત હવે પ્રજા ચૂકવશે?
વર્ષ 2025-26ના નાણાકીય વર્ષ માટે મનપાનું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું રાખવામાં આવ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના બે મહિના જ બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં માત્ર રૂ. 1470 કરોડનો જ ખર્ચ થઈ શક્યો છે. આવકના અભાવે અને ટીઆરપી અગ્નિકાંડ બાદ ઊભી થયેલી વહીવટી ગૂંચવણોને કારણે અનેક યોજનાઓ ’બાળ મરણ’ પામી છે. વર્ષ 2024-25ની પણ ઘણી ફાઈલો અત્યારે અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે. અધિકારીઓ પાસે પણ જૂની યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા નથી.
રાજકોટને પાણી પૂરું પાડવા માટે મનપા મોટાભાગે નર્મદાના નીર પર આધારિત છે. આજી અને ન્યારી ડેમમાં પાણી ખૂટે ત્યારે રાજ્ય સરકાર પાસેથી નર્મદાનું પાણી માંગવું પડે છે. સરકાર મનપા પાસેથી પ્રતિ 1000 લીટર દીઠ રૂ. 6 વસૂલે છે, જેની સામે મનપા પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો ઉઘરાવે છે. આ આવક અને ખર્ચ વચ્ચેનું અંતર મનપાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી રહ્યું છે. તેવી જ રીતે, મિલકત વેરાનો લક્ષ્યાંક રૂ. 454 કરોડ છે, જ્યારે મનપાનો વાર્ષિક પગાર ખર્ચ જ રૂ. 450 કરોડ જેટલો છે. એટલે કે, જો 100% મિલકત વેરો વસૂલ થાય તો તેમાંથી માંડ કર્મચારીઓના પગાર નીકળે તેમ છે. વિકાસકામો માટે મનપા પાસે કોઈ ભંડોળ બચતું નથી.
રાજકોટ મહાનગરપાલિકા અત્યારે બેવડા દબાણ હેઠળ છે. એક તરફ જૂની યોજનાઓ પૂરી કરવાનું દબાણ અને બીજી તરફ નવી યોજનાઓ માટે નાણાંની તંગી છે. ત્યારે આગામી બજેટમાં પ્રજા ઉપર કરબોજ વધશે કે શાસકો કોઈ જાદુઈ લાકડી ફેરવીને રસ્તો કાઢશે, તેના પર આખા શહેરની નજર છે. હાલમાં ચર્ચાતી વિગતો મુજબ આગામી બજેટમાં જૂની બાકી યોજનાઓ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવશે. ખાસ કોઈ મોટી નવી યોજના આ બજેટમાં જોવા મળે તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.
આગામી બજેટમાં શું નવું હોઈ શકે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બજેટમાં પારદર્શિતા વધારવા માટે એજન્સીઓને કરવામાં આવતી પેનલ્ટી (દંડ)ની રકમને અલગથી દર્શાવવાની જોગવાઈ કરવામાં આવશે. અત્યાર સુધી આ રકમ ’અન્ય આવક’માં ગણવામાં આવતી હતી, જેથી કઈ એજન્સી સામે શું પગલાં લેવાયા તે જાણી શકાતું નહોતું. આ ઉપરાંત પણ, રાજકોટના 70 હજારથી વધુ દિવ્યાંગો માટે એક સારા સમાચાર મળી શકે તેમ છે. આગામી બજેટમાં વિકલાંગો માટે એક ખાસ ગાર્ડનની જાહેરાત થઈ શકે છે. ગાર્ડન માત્ર મનોરંજન માટે જ નહીં હોય, પણ 21 પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો માટે એક ’થેરાપી સેન્ટર’ તરીકે પણ કામ કરશે.
મહાપાલિકાના તિજોરી ભરવાના પ્રયાસો: પ્લોટ વેચાણ અને લોન
નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે મનપાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રૂ. 290 કરોડની કિંમતના સાત પ્લોટ વેચવા કાઢ્યા હતા. જો આ તમામ પ્લોટનું વેચાણ સફળતાપૂર્વક થયું હોત, તો મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની જરૂર પડવાની નહોતી. પરંતુ વર્તમાન બજાર સ્થિતિનાં કારણે માત્ર રૂ. 106 કરોડના એક પ્લોટનું વેચાણ થયું છે. બાકીના 6 પ્લોટ માટે કોઈ બિલ્ડરે રસ દાખવ્યો નથી. આમ પ્લોટ વેચાણથી આવક માટેનાં નિર્ધારિત રૂ. 700 કરોડનાં લક્ષ્યાંકમાં મોટું ગાબડું પડ્યું છે.



