મોજ-મજા નહીં, પણ ઇતિહાસના સંઘર્ષ અને સંવેદનાને જાણવાની હોડ
ભુજનું ‘સ્મૃતિ વન’ હોય કે ભોપાલ ગેસ ટ્રેજડીનું સ્મારક; 25થી 40 વર્ષના યુવાનો ‘મેમેન્ટો મોરી’ના વિચાર સાથે જીવનની ક્ષણભંગુરતા સમજવા પ્રેરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
ભારતમાં પ્રવાસનની વ્યાખ્યા હવે બદલાઈ રહી છે. પહેલાં પ્રવાસ એટલે માત્ર આરામ અને ફોટોગ્રાફી હતી, પરંતુ હવે નવી પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. યુવાનો હવે માત્ર લક્ઝુરિયસ રિસોર્ટમાં રોકાવાને બદલે એવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે જે મૃત્યુ, માનવીય વેદના, યુદ્ધ કે મોટી કુદરતી દુર્ઘટનાઓ સાથે જોડાયેલા હોય.
આ પ્રવાસ પાછળનો હેતુ મનોરંજન નહીં, પરંતુ ઇતિહાસમાંથી શીખ મેળવવાનો અને આત્મચિંતન કરવાનો છે.
શું છે ‘મેમેન્ટો મોરી’નો વિચાર? આ ટ્રેન્ડ પાછળ ‘મેમેન્ટો મોરી’ નામનો લેટિન વિચાર કામ કરી રહ્યો છે, જેનો અર્થ છે ‘યાદ રાખો કે તમે નશ્વર છો.’ ડાર્ક ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ જીવનની વાસ્તવિકતા અને ક્ષણભંગુરતાનો પરિચય મેળવે છે. આ અનુભવ માનવીના અહંકારને તોડીને તેને વધુ વિનમ્ર અને સંવેદનશીલ બનાવે છે. કોવિડ મહામારી પછી લોકો પ્રવાસને વધુ ગંભીરતાથી લઈ રહ્યા છે અને જીવનના અર્થપૂર્ણ પાસાઓને સમજવા માટે આવા સ્થળોએ જાય છે.
ભારત અને વિશ્વના મુખ્ય કેન્દ્રો ભારતમાં ભુજ ભૂકંપની યાદમાં બનેલું ‘સ્મૃતિ વન’, જલિયાવાલા બાગ, ગાંધી સ્મૃતિ, ભોપાલનો યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ અને લખનઉ રેસિડેન્સી જેવા સ્થળો ડાર્ક ટુરિઝમના મુખ્ય કેન્દ્રો બન્યા છે. વૈશ્વિક સ્તરે ન્યૂ યોર્કનું 9/11 મેમોરિયલ અને જાપાનનું હિરોશિમા પણ આ યાદીમાં ટોચ પર છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારના પ્રવાસમાં મૌન અને આદરનું મહત્વ વધુ હોય છે. યુવાનો હવે નશા કે નિરર્થક મોજમજાને બદલે જ્ઞાન અને સંવેદનાના માર્ગે નીકળ્યા છે.
ડાર્ક ટુરિઝમ શું છે?
- Advertisement -
ડાર્ક ટુરિઝમ એટલે એવા સ્થળોની મુલાકાત, જે મૃત્યુ, દુર્ઘટના, યુદ્ધ, જાતિહિંસા કે માનવીય ભૂલોથી જોડાયેલા હોય. આવા સ્થળોએ પ્રવાસ મજા માટે નથી થતો, પરંતુ વિચાર, શીખ અને આત્મચિંતન માટે થાય છે. આવી જગ્યાઓ પ્રવાસીઓને જીવનની ક્ષણભંગુરતાનો પરિચય કરાવે છે, ઇતિહાસના કઠોર પ્રકરણની યાદ અપાવે છે અને સૌથી મહત્ત્વનું તમને સારા માણસ બનાવવામાં મદદરૂપ થાય છે.
ભારતના સૌથી પ્રચલિત ડાર્ક ટુરિઝમ સ્થળ
ભારતમાં એવા અનેક સ્થળો છે, જ્યાં ઇતિહાસની કડવી યાદોનો ભાર આજે પણ અનુભવાય છે. ભુજ ભૂકંપની યાદ અપાવતું સ્મૃતિ વન, અમૃતસરમાં જલિયાવાલા બાગ, દિલ્હીમાં ગાંધી સ્મૃતિ અને નિકોલ્સન કબ્રસ્તાન, લખનઉ રેસિડેન્સી, ભોપાલનો યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ અને ‘રિમેમ્બર ભોપાલ’ મ્યુઝિયમ, તમિલનાડુના ટ્રાન્કેબાર જેવા ઘણાં સ્થળો પ્રવાસીઓમાં લોકપ્રિય છે.



