આંતર રાજ્ય રેકેટનો ખુલાસો
બાળક 3.60 લાખમાં ખરીદી અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચતા જ ક્રાઈમ બ્રાન્ચ-અઝજએ ઝડપ્યા
- Advertisement -
હિંમતનગરના મુન્ના નામના વ્યક્તિ પાસેથી બાળકને ખરીદ્યુ હતું: કૌભાંડમાં એક મહિલાની પણ સંડોવણી, બાળકને હૈદરાબાદ પહોંચાડવાનું હતું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અઝજએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને ચાર શખસ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ ચાર શખસ હતા. પોલીસે તપાસ કરતા આ ચાર શખસ હિંમતનગરના મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક 3.60 લાખ રૂપિયામાં ખરીદીને લાવ્યા હતા. આ બાળકને ખરીદીને તેઓ હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે કારમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની મહિલા વંદના પંચાલ અને કારના ડ્રાઇવર મૌલિક દવેની ધરપકડ કરી છે. આરોપીઓ હિંમતનગરમાં મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક ખરીદીને લાવ્યા હતા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું. પોલીસે ચારે આરોપીની ધરપકડ કરીને નવજાત બાળકને તાત્કાલિક ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ કેસમાં મુન્નો અને નાગરાજ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે. બાળ તસ્કરીનું આ રેકેટ હૈદરાબાદ સુધી ફેલાયેલું હતું.



