હાઈવે નજીક લાયસન્સ વિના 12 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે સંગ્રહ પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલની રેઇડ બાદ જ તંત્ર હરકતમાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ પાસે હાથી સિમેન્ટ ફેક્ટરીની સામે ચાલી રહેલી ગેરકાયદેસર ડિઝલ ભેળસેળ અને સંગ્રહની પ્રવૃત્તિનો સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત દ્વારા મોટો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સપેક્ટર આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ તા. 20 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવેલી વિશાળ રેઇડમાં આશરે 12 હજાર લીટર ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી, ટ્રક, મોટરસાયકલ, ડિસ્પેન્સર મશીન સહિત કુલ રૂ. 23.80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પાંચ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સપ્લાયર સહિત એક આરોપી ભરત મુળુભાઈ મોઢવાડીયા ફરાર હોવાનું ખુલ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમી મુજબ કરશનભાઈ એભાભાઈ ઓડેદરા અને તેના ભાગીદાર અરસીભાઈ ભીમાભાઈ ઓડેદરા દ્વારા આદિત્યાણા ગામ નજીક દુકાનના પાછળના ભાગે મોટા લોખંડના ટાંકા અને બેરલોમાં ભેળસેળયુક્ત ડિઝલનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. કોઈ પણ પ્રકારના માન્ય લાયસન્સ, પાસ કે ફાયર સેફટી સાધનો વગર આ જ્વલનશીલ પ્રવાહી ડીસ્પેન્સર મશીન મારફતે ટ્રક અને અન્ય વાહનોમાં બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભરાવી આપવામાં આવતું હતું, જે માનવીય જીવન માટે ગંભીર જોખમ સર્જે તેવી સ્થિતિ હતી. આ પ્રવૃત્તિ અંગે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી રેઇડનું આયોજન કરાયું હતું.
રેઇડ દરમિયાન એક ટ્રક નં. ૠઉં-10-ણ-7099 દુકાન આગળ પાર્ક કરેલ મળી આવી હતી, જેમાં ડીસ્પેન્સર મશીનની નોઝલ સીધી ટ્રકની ડિઝલ ટાંકીમાં લગાવવામાં આવી હતી અને ફિલિંગ ચાલુ હાલતમાં હતું. સ્થળ પરથી કરશનભાઈ એભાભાઈ ઓડેદરા (ઉ.વ. 44), અરસીભાઈ ભીમાભાઈ ઓડેદરા (ઉ.વ. 39), કાંધલભાઈ રામદેવભાઈ કડછા (ઉ.વ. 33), આશિષભાઈ રામજીભાઈ વરવાડીયા (ઉ.વ. 36) અને ટ્રક ડ્રાઇવર મશરીભાઈ નાગાભાઈ ઓડેદરા (ઉ.વ. 55)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ તમામ ઇસમો છેલ્લા ચાર મહિનાથી આ સ્થળે ગેરકાયદેસર રીતે ડિઝલ જેવું ભેળસેળયુક્ત જવલનશીલ પ્રવાહી વેચાણ કરતા હતા. પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા કરાયેલ તપાસમાં દુકાન પાછળ આવેલા લોખંડના મોટા સ્ટોરેજ ટાંકામાં આશરે 12 હજાર લીટર ભેળસેળયુક્ત ડિઝલ મળી આવ્યું, જેની કિંમત રૂ. 8.14 લાખથી વધુ આંકવામાં આવી છે. આ ઉપરાંત ટ્રકની ટાંકીમાં ભરેલ 350 લીટર ડિઝલ, એક ટ્રક (રૂ. 10 લાખ), રોયલ એન્ફિલ્ડ બુલેટ (રૂ. 1 લાખ), ડીસ્પેન્સર મશીન, ઇલેક્ટ્રિક મોટર, બેરલ, પાઈપો, માપીયા સાધનો, રોકડ રકમ રૂ. 1.41 લાખ, છ મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 23.80 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. એફ.એસ.એલ. અધિકારીઓ દ્વારા સેમ્પલ લઈ સીલ કરી વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં ભેળસેળયુક્ત ડિઝલ સપ્લાય કરનાર તરીકે પોરબંદર ખાતે રહેતા ભરતભાઈ મુળુભાઈ મોઢવાડીયાનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 280, 287, 288, 21(2), આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 તેમજ એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9(બી)(1)(બી) હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી ન માત્ર સરકારી રાજસ્વને મોટું નુકસાન થયું છે પરંતુ આસપાસના વિસ્તારમાં ગંભીર અકસ્માત અને આગની ઘટના સર્જાઈ શકે તેવો ખતરો પણ ઉભો થયો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર મહિના સુધી કોણે નજર ફેરવી? મામલતદાર-પુરવઠા અધિકારીની કામગીરી પર પ્રશ્ર્ન
- Advertisement -
રાણાવાવ મામલતદાર ડાભી અને પુરવઠા અધિકારી એન.બી.રાજપૂતની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાઈવે નજીક ચાર મહિના સુધી લાયસન્સ વિહોણું અને ફાયર સેફટી વગર બાયો-ડિઝલનો જથ્થો સંગ્રહિત અને વેચાણ થતું રહ્યું, છતાં મામલતદાર કચેરી કે પુરવઠા વિભાગ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી ન થવી આશ્ચર્યજનક છે. પુરવઠા વિભાગની જવાબદારી હોવા છતાં પાસ-પરમીટ, સ્ટોરેજ લાયસન્સ અને ટ્રાન્સપોર્ટ પર નજર કેમ રાખવામાં ન આવી – તે મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની રેઇડ બાદ જ સ્થાનિક તંત્ર હરકતમાં આવવું પહેલાની બેદરકારી કે સંભવિત મૌન સંમતિ તરફ સંકેત કરે છે. હવે પ્રશ્ન એ છે કે શું આ મામલે જવાબદારી નક્કી થશે કે ફાઈલ માત્ર આરોપીઓ સુધી સીમિત રહેશે?



