મોંઘવારી, બેરોજગારી અને નબળા રસ્તાઓ મુદ્દે જનતામાં ભારોભાર આક્રોશ; ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે લોકોની ફરિયાદો લેખિતમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા કોંગ્રેસ આપને દ્વાર – જનતાની વેદના અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4 ના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સત્તાધારી પક્ષના શાસનમાં સામાન્ય જનતા જે હાલાકી ભોગવી રહી છે તેને સાંભળવાનો અને મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ ઉઠાવવાનો હતો.
વોર્ડ નં. 4 માં જનસંપર્ક દરમિયાન લોકોએ મોંઘવારી, બેરોજગારી, પીવાના પાણીની અછત, અને રસ્તા-ડ્રેનેજની બદતર હાલત અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો મોંઘી થતા સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું હોવાની વેદના લોકોએ વ્યક્ત કરી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ તમામ પ્રશ્નોને લેખિત સ્વરૂપે એકત્રિત કરવામાં આવ્યા હતા, જેથી આવનારા દિવસોમાં તંત્ર સામે લડત આપી શકાય. ડો. રાજદીપસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર માત્ર મસમોટા પ્રચારોમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિકતામાં જનતા મૂળભૂત સુવિધાઓ માટે પણ તડપી રહી છે. કોંગ્રેસ જનતાની આ વેદનાને વાચા આપવા માટે દરેક વોર્ડમાં આ અભિયાન લઈ જશે. આ સર્વેના આધારે આગામી દિવસોમાં સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવશે અને જો જરૂર પડશે તો જનતાના હિત માટે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આગેવાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ પ્રમુખ પરેશભાઈ પરમાર, હાર્દિકસિંહ પરમાર, નંદાભાઈ ડાંગર, અક્ષાંસ ગોસ્વામી સહિતના અનેક હોદ્દેદારો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકોએ પણ કોંગ્રેસની આ પહેલને વધાવી લઈ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો.



