રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સેવા યજ્ઞ’નો પ્રારંભ; જરૂરિયાતમંદ દર્દીઓને બેડ ચાર્જમાંથી મુક્તિ આપી હોસ્પિટલ બની ‘હમદર્દી મંદિર’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સેવા અને સમર્પણના પર્યાય સમાન પંચનાથ હોસ્પિટલ દ્વારા માનવતાની મહેક ફેલાવતો વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 જાન્યુઆરી 2026થી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ થનારા દર્દીઓને નિ:શુલ્ક સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવા પ્રકલ્પનો પ્રારંભ 20 જાન્યુઆરીના રોજ પુ. રમેશભાઈ ઓઝા (ભાઈજી) ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં એક ભવ્ય કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં આશીર્વચન આપતા પુ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે આ સેવાકાર્ય જોઈને મને અત્યંત આનંદ થાય છે. પંચનાથ મહાદેવનું મંદિર અહીં બિરાજમાન છે, અને તેની સાથે જ આ હોસ્પિટલ પણ એક ’હમદર્દી મંદિર’ બની રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ માત્ર એક વ્યવસ્થા નથી પરંતુ માનવતાની સાધનાનો એક યજ્ઞ છે, જે દાતાઓના સહયોગ અને ટ્રસ્ટના ઉમદા હેતુથી સફળ થઈ રહ્યો છે. આ પ્રસંગે તેમણે સંસ્થાના પાયામાં રહેલા સંતો પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય હરિચરણદાસ બાપુને પણ યાદ કર્યા હતા. તેમણે પંચનાથ હોસ્પિટલના સુશાસન અને આર્થિક પારદર્શિતાની પ્રશંસા કરતા ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી અને સહકારની ખાતરી આપી હતી. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પંચનાથ હોસ્પિટલના રાહતદરોની નોંધ લઈ આ સેવાકીય પ્રવૃત્તિઓ સતત વધતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ડી.વી મહેતા અને પ્રમુખ દેવાંગ માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારુ, છગજઇના ચેરમેન દિનેશભાઈ પાઠક, કિશનભાઈ કોટેચા, અજયભાઈ બગડાઈ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. સેક્રેટરી મયુરભાઈ શાહ અને ડો. રવિરાજ ગુજરાતીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પંચનાથ હોસ્પિટલના આ નવતર અભિગમથી રાજકોટના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર મેળવવી હવે વધુ સરળ બનશે.
પૂ. ભાઈશ્રીએ આપેલી આરોગ્યની ‘પંચસૂત્રી’
પુ. રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત જનમેદની સમક્ષ હોસ્પિટલ માટે એક અત્યંત પ્રસ્તુત ’પંચસૂત્રી’ રજૂ કરી હતી, જેને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી
- Advertisement -
જો નિદાનથી મટે, તો ગોળી નથી આપવી.
જો ગોળીથી મટે, તો ઇન્જેક્શન નથી આપવું.
જો ઇન્જેક્શનથી મટે, તો બાટલો નથી ચડાવવો.
જો બાટલાથી મટે, તો દાખલ નથી કરવા.
જો દાખલ થવાથી મટે, તો ઓપરેશન નથી કરવું.
તેમણે કહ્યું કે આ સૂત્ર માત્ર પંચનાથ હોસ્પિટલ પૂરતું નહીં, પરંતુ સમાજની તમામ હોસ્પિટલો માટે આદર્શ હોવું જોઈએ.
જનરલ વોર્ડ મફત સેવા: મુખ્ય નિયમો અને શરતો
હોસ્પિટલ દ્વારા આ સેવા પ્રકલ્પ પ્રાયોગિક ધોરણે એક વર્ષ માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
કઈ સેવા મફત?: જનરલ વોર્ડમાં દાખલ દર્દી પાસેથી બેડ ચાર્જ કે હોસ્પિટલનું બિલ લેવામાં આવશે નહીં.
કયા ખર્ચ દર્દીએ આપવાના?: દવા, લેબોરેટરી રિપોર્ટ અને ડાયગ્નોસીસનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે.
મર્યાદા: જનરલ વોર્ડમાં કુલ 12 બેડની સુવિધા છે, એટલે કે એકસાથે 12 જરૂરિયાતમંદ દર્દીઓને આ લાભ મળી શકશે.
બાકાત: જે દર્દીઓ પાસે મેડિકલેમ કે આયુષ્માન કાર્ડ છે, તેમને આ સેવાનો લાભ મળશે નહીં.
શિફ્ટિંગ સુવિધા: ઈંઈઞ, ઓપરેશન થિયેટર કે ઇમરજન્સી વિભાગમાંથી જ્યારે દર્દી જનરલ વોર્ડમાં શિફ્ટ થશે, ત્યારથી આ મફત સેવાનો લાભ મળવાપાત્ર થશે.
ચકાસણી: ટ્રસ્ટ મેનેજમેન્ટ જરૂર જણાશે ત્યાં દર્દીની આર્થિક સ્થિતિ અને જરૂરિયાતની ખરાઈ કરશે.



