આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપની OpenAI એ વિશ્વભરમાં ChatGPT યુઝર્સ માટે ‘એજ પ્રેડિક્શન’ (ઉંમર અનુમાન) મોડલ લોન્ચ કર્યું છે. આ ટેકનોલોજી દ્વારા નક્કી કરાશે કે, એકાઉન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિ સગીર છે કે નહીં. આ પગલું એવા સમયે લેવાયું છે કે, જ્યારે કંપની ટૂંક સમયમાં ચેટબોટ પર પુખ્ત વયના લોકો માટે ‘એડલ્ટ કન્ટેન્ટ’ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
- Advertisement -
OpenAI એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમારું ‘એજ પ્રેડિક્શન મોડલ’ એવું અનુમાન લગાવશે કે કોઈ એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ChatGPT આપમેળે વધારાનું સુરક્ષા કવચ લાગુ કરી દેશે. આ ફેરફાર બાળકોને સંવેદનશીલ અને અયોગ્ય સામગ્રીથી દૂર રાખવા માટે કરાયો છે.’ ChatGPT આ માટે યુઝર દ્વારા કયા સવાલો પૂછવામાં આવે છે અને કયા પ્રોજેક્ટ પર અથવા તો વિષય પર કામ કરવામાં આવે છે એ વિશે ધ્યાન રાખશે. આ કન્ટેન્ટ પરથી નક્કી કરશે કે ChatGPT બાળક દ્વારા ઉપયોગમાં કરવામાં આવી રહ્યું છે કે નહીં.
ભૂલથી સગીર શ્રેણીમાં મુકાયેલા યુઝર્સ માટે વિકલ્પ
જો કોઈ પુખ્ત વયના યુઝરને સિસ્ટમ દ્વારા ભૂલથી 18 વર્ષથી ઓછી ઉંમરના ગણી લેવાશે, તો તેઓ પોતાની ઓળખ સાબિત કરીને ફરીથી સંપૂર્ણ એક્સેસ મેળવી શકશે. આ માટે યુઝરે ‘Persona’ નામની આઇડેન્ટિટી વેરિફિકેશન સર્વિસ દ્વારા સેલ્ફી સબમિટ કરવાની રહેશે. આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયન (EU) માં આ સુવિધા આગામી સપ્તાહથી રોલઆઉટ થઈ જશે.
- Advertisement -
ChatGPTના સાપ્તાહિક યુઝર્સની સંખ્યા 80 કરોડ
OpenAIના એપ્લિકેશન CEO ફિડજી સિમોએ સંકેત આપ્યો છે કે, વર્ષ 2026 ના પહેલા ત્રિમાસિકમાં ChatGPTમાં ‘એડલ્ટ મોડ’ રજૂ થઈ શકે છે. હાલ ChatGPT ના સાપ્તાહિક એક્ટિવ યુઝર્સની સંખ્યા 80 કરોડ પર પહોંચી ગઈ છે. આવક વધારવાના પ્રયાસરૂપે OpenAI એ ગયા સપ્તાહે જ અમેરિકામાં પસંદગીના યુઝર્સ માટે જાહેરાતો બતાવવાનું શરૂ કર્યું છે. કંપનીના ફાઇનાન્સ ચીફ સારાહ ફ્રાયરના જણાવ્યા અનુસાર, OpenAI ની વાર્ષિક આવક 2024 માં $6 બિલિયન હતી, જે 2025 માં વધીને $20 બિલિયનને વટાવી ગઈ છે.
નોંધનીય છે કે, આ ફેરફારો દર્શાવે છે કે OpenAI માત્ર ટેકનોલોજી જ નહીં, પણ યુઝર સેફ્ટી અને રેવન્યુ મોડલની દિશામાં પણ ગંભીરતાથી આગળ વધી રહ્યું છે.




