ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી.
અચાનક સંતુલન બગડ્યું અને જોરદાર ધડાકો થયો
- Advertisement -
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જ્યારે હવામાં હતું ત્યારે સામાન્ય જણાતું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે તેજીથી નીચે આવીને તળાવમાં ખાબક્યું હતું. વિમાન પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. સેંકડો સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
વિમાનમાંથી બંને પાયલોટ સુરક્ષિત રીતે ઇજેક્ટ થયા
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને બચાવ કામગીરીની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વહીવટીતંત્રે હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને રાહત કામગીરી ચાલુ હોવાથી આસપાસની સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વાયુસેનાના જણાવ્યા મુજબ, આ વિમાન રૂટિન ટ્રેનિંગ પર હતું. વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જેઓ અકસ્માત સમયે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. બંને પાયલોટને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
- Advertisement -
રેસ્ક્યુ ઓપરેશન અને તપાસના આદેશ
ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રે તળાવની આસપાસ બેરિકેડિંગ કરીને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લીધો છે. હાલમાં ક્રેન દ્વારા વિમાનને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે જેથી અકસ્માતનું સચોટ કારણ જાણી શકાય. વાયુસેના અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમ ટેકનિકલ ખામી કે સંતુલન બગડવા જેવા પાસાઓની તપાસ કરી રહી છે.




