પ્રાથમિક સુવિધાઓના નામે લાખો રૂપિયા ઓળવી જઈ ગ્રાહકોને છેતર્યા: પ્લીન્થ લેવલના દસ્તાવેજો બનાવી આચરી છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
- Advertisement -
મોરબીના પીપળી રોડ પર આવેલી ગોકુલધામ, માનસધામ અને ત્રિલોકધામ સોસાયટીના રહીશો સાથે બિલ્ડરોએ મોટી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય ફરિયાદી ભરતભાઈ વિઠ્ઠલભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હસમુખભાઈ વલમજીભાઈ પટેલે વર્ષ 2019માં રહેવાસીઓને વિશ્વાસમાં લીધા હતા. બિલ્ડરોએ રોડ-રસ્તા, પાણી, અને કોમન પ્લોટ જેવી પાયાની સુવિધાઓ આપવાની લેખિત બાહેંધરી આપી હતી, પરંતુ વાસ્તવમાં મકાનના બદલે માત્ર પ્લીન્થ લેવલના દસ્તાવેજો કરી આપી સુવિધાઓના નાણાં ઓહિયા કરી ગયા હતા. રહીશોને પાયાની સુવિધાઓથી વંચિત રાખી વિશ્વાસઘાત કરનાર ત્રણ બિલ્ડરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનાર પરિવારોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ સરકારી નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની જવાબદારીઓ નિભાવી નથી. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે, જેનાથી આગામી સમયમાં અન્ય સોસાયટીઓમાં પણ થતી આવી છેતરપિંડીના ખુલાસા થવાની શક્યતા છે.



