રેસકોર્સ મેદાનમાં તા.20થી 22 ફેબ્રુઆરી આયોજન
ગીર-કાંકરેજ પ્રજાતિની શ્રેષ્ઠ ગાય, નંદી અને વાછરડાંની પસંદગી કરાશે
- Advertisement -
આ કેટલ શોમાં 22થી વધુ દેશના પ્રતિનિધિઓ તેમજ 500થી વધુ નિષ્ણાતો જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત ઉદ્યોગોને સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તેના જ ભાગરૂપે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા.20થી 22 ફેબ્રુઆરી દરમિયાન એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયોનો કેટલ શો યોજાવા જઈ રહ્યો છે જેમાં ફક્ત ગીર અને કાંકરેજ જાતિની ગાય અને નંદીઓને પસંદ કરી ઈનામો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત દેશી ગાયના સંવર્ધન સહિતના કાર્યક્રમો થશે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફેડરેશન ઓફ ઈન્ડિજીનિયસ ઝીબુ કેટલ દ્વારા સ્વદેશી પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે ખાસ પ્રકારના ઈન્ડિયન કેટલ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈને રાજકોટમાં તેની રીજનલ કચેરી પણ કાર્યરત છે. આ કેટલ શોનો હેતુ ગૌ પાલકો અને ખેડૂતોને એક મંચ પર લાવીને સ્વદેશી ગાયો કાંકરેજ અને ગીરના વધુમાં વધુ સંવર્ધન અને તેના પાલનથી આર્થિક, સામાજિક સમૃદ્ધિ લાવવા પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ કેટલ શોમાં હજારો એન્ટ્રી આવી હતી જોકે તેમાંથી પ્રદર્શન માટે 250 શ્રેષ્ઠ પશુઓ પસંદ કરાયા છે. આ પશુઓમાંથી ગીર અને કાંકરેજ પ્રજાતિની શ્રેષ્ઠ ગાય, નંદી અને વાછરડાં પસંદ કરાશે તેમજ એક ચેમ્પિયન ઓફ ધ શોનો પણ એવોર્ડ અપાશે. આ કેટલ શોમાં 22થી વધુ દેશના પ્રતિનિધિઓ આવશે.
- Advertisement -
ગૌપાલન-ગૌસંવર્ધન કરતાં વૈજ્ઞાનિક કરશે સંવાદ
આ કેટલ શોમાં ગૌપાલન અને ગૌસંવર્ધન કરતા તેમજ તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો ગૌ સંવાદ કરશે. ગીર અને કાંકરેજની પ્રજાતિમાં ઉત્તમ વંશ સુધારો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત ગાય, ગામડું અને ખેતી એમ ત્રણેયના સમન્વય એવી ગૌ આધારિત ખેતી કરતા નિષ્ણાતો હાજરી આપશે. તેઓ ગૌ આધારિત સંસાધનોથી આર્થિક સદ્ધરતા વિશે માહિતગાર કરશે. 500થી વધુ નિષ્ણાતો અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી આવશે.
ગૌપાલકોથી જિનેટિક્સ કંપની, વિવિધ સંસ્થાઓ સહિતના શૉનો ભાગ બનશે
દેશી ગાય સંવર્ધકો અને બ્રીડિંગ જિનેટિક્સ કંપનીઓ
ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને કોલ્ડ ચેઈન ઉદ્યોગ
ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ ઉત્પાદકો
કૃષિ યુનિવર્સિટી, સંશોધન સહાય
ગૌ આધારિત ઉત્પાદનો(પંચગવ્ય, વેલનેસ, હેન્ડિક્રાફ્ટ)
કૃષિ સાધનો, પશુ આહાર અને ડ્રોન કંપનીઓ
ગ્રામ વિકાસ અને સ્વસહાય જૂથ
સહકારી અને એનજીઓ
આ કેટેગરીમાં અપાશે એવોર્ડ
શ્રેષ્ઠ દુધાળુ ગાય
શ્રેષ્ઠ ગાય
શ્રેષ્ઠ વોડકી(બે દાંત)
શ્રેષ્ઠ નંદી
શ્રેષ્ઠ વાછરડો(બે દાંત)



