રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનો રાજકોટમાં યુવા પ્રતિભાઓ સાથે સંવાદ
સેવાભારતી ભવન ખાતે યુવા પ્રતિભા મિલનમાં સૌરાષ્ટ્રભરના યુવાનો સાથે ખાસ ચર્ચા કરી
- Advertisement -
પંચ પરિવર્તનના વિષયોને સમાજના દરેક વર્ગ સુધી લઈ જવા ડો. મોહન ભાગવતનો દેશભરમાં પ્રવાસ
સંઘની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત ડૉ. મોહન ભાગવત બે દિવસ રાજકોટની મુલાકાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો આજે રાજકોટમાં સેવાભારતી ભવન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રતિભાશાળી યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોને સંબોધતા ડો. મોહન ભાગવતે કહ્યું હતું કે, યુવાનો વિવિધ ક્ષેત્રે દેશ માટે કામ કરે છે, ત્યારે દેશ શું છે તેની સ્પષ્ટ કલ્પના મનમાં હોવી જોઈએ. ભૂતકાળમાં આવો સ્પષ્ટ ખ્યાલ મનમાં ન હોવાથી કે ધૂંધળો પડવાથી દેશ ગુલામ બન્યો હતો. આપણો દેશ ચૈતન્યમય છે, આપણે તેને ભારત માતા કહીએ છીએ, તે કોઈ જમીનનો ભાગ માત્ર નથી. તેનું વિભાજન ન થઈ શકે, તે ભાવ સાથે જોડાયેલો છે.
સંઘના સ્થાપક ડો. હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના પૂર્વે થયેલા મનોમંથનનો ઉલ્લેખ કરીને તેમણે સંઘની સ્થાપનાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી. આ સાથે તેમણે કહ્યું કે, સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાના લક્ષ્ય સાથે સંઘ કાર્યરત છે. હિન્દુ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે, જેમ બ્રિટનમાં બ્રિટિશ, અમેરિકામાં અમેરિકન તેમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. ભારત અને હિન્દુસ્તાન બંને અલગ નથી, એક જ છે, ભારત એ સ્વભાવ છે. હિન્દુ એ સ્વભાવ છે. હળી મળીને સાથે એકતાથી ચાલવાનો સ્વભાવ એ હિન્દુ છે. તેમણે કહ્યું કે, આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની રહી છે. સનાતન, ભારતીય, ઈન્ડિક, આર્ય, હિન્દુ બધા સમાન નામો છે. પણ હિન્દુ શબ્દ સરળ છે અને સહેલાઈથી સમજી શકાય છે. આજે દેશમાં હિન્દુ સમાજને આત્મવિસ્મૃત કરવા માટે ષડયંત્રો ચાલી રહ્યા છે, તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હિન્દુઓ આદિકાળથી, પરંપરાથી આ ભૂમિ પર રહે છે અને દેશને શક્તિશાળી અને વિકસિત બનાવવાની જવાબદારી સમગ્ર સમાજની છે. આથી સંપૂર્ણ હિન્દુ સમાજને એક કરીને, ગુણવત્તાનું નિર્માણ કરીને વિશ્વ કલ્યાણ માટે દેશને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે સંઘ નિયમિત રીતે કામ કરી રહ્યો છે.
સંઘની વિશિષ્ટ કાર્યશૈલીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સંઘ શાખાના માધ્યમથી ગુણવત્તાયુક્ત, શ્રેષ્ઠ, નિષ્ઠાવાન સ્વયંસેવકો તૈયાર કરે છે. આવા સ્વયંસેવકો સમર્પણ ભાવ સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે, વિવિધ સેવાકાર્યો કરે છે. પરંતુ તે સિવાય પણ સંઘનું કામ છે. માત્ર તેમને જોઈને સંઘના કામનું મૂલ્યાંકન ન કરી શકાય. સંઘને સમજવા માટે સંઘમાં જ આવવું પડશે. દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે. સમાજમાં પણ આચરણનું પરિવર્તન જરૂરી છે. જો કે બધા લોકો શાખામાં ન આવી શકે, તે ધ્યાનમાં રાખતા સંઘ દ્વારા પંચ પરિવર્તનનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના અંતે યુવાનો દ્વારા સંઘ તથા દેશહિત સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ડો. મોહન ભાગવતે વિવિધ ઉદાહરણો સાથે યુવાનોની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચો. બીજાના પ્રોપેગેન્ડાના આધારે સંઘને ના સમજી શકાય. જો તમે ઉત્કૃષ્ટ રીતે, નિ:સ્વાર્થ બુદ્ધિથી, પ્રામાણિક રીતે દેશહિતમાં કોઈ કામ કરો છો, તો તમે સંઘનું જ કામ કરો છો, એવું સંઘ માને છે. આ કાર્યક્રમમાં બહેનોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણ તેમજ અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર દ્વારા વર્ષ 1925માં વિજયાદશમીના પાવન દિવસે નાગપુરના મોહિતે વાડા ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘને સો વર્ષ પૂરા થતાં તેની ઉજવણી નિમિત્તે પંચ પરિવર્તનના વિષયોને સમાજના દરેક વર્ગ સુધી લઈ જવા ડો. મોહનજી દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. સંઘની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત તેઓ બે દિવસ રાજકોટના પ્રવાસે છે.
સંઘ દ્વારા પંચ પરિવર્તનનો વિચાર રજૂ કરાયો
સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ- પાણી બચાવો, પ્લાસ્ટિક હટાવો, વૃક્ષો લગાવો, સ્વબોધ, સ્વદેશી, નાગરિક કર્તવ્ય આ પાંચ ક્ષેત્રમાં કોઈપણ નાગરિક નાના, મોટા કામો કરીને પણ દેશહિતમાં યોગદાન આપી શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ હતું.



