ટૂંક સમયમાં થશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન
જંગલેશ્ર્વરનાં 1358 મિલકતધારકોની હિયરિંગ પૂર્ણ, હવે બાકીની વહિવટી પ્રક્રિયા પૂરી કરી બુલડોઝર ફેરવાશે
- Advertisement -
400 કરોડની 1 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવવાની પ્રક્રિયામાં તંત્ર વધુ એક કદમ આગળ વધશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં જોવા મળવાની ઘડી નજીક આવી ગઈ છે. શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલી 1.92 લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં દબાણ ઊભા થઇ જવા પ્રકરણમાં ડિસેમ્બર માસથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 1358 આસામીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ આજ રોજ તમામ આસામીઓની સુનાવણી પૂર્ણ થઈ છે. હવે પોતાનો માલિકી હક્ક રજૂ ન કરી શકનારા દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ 202 મુજબ દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવશે.
મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસમાં લખાયું છે કે, ટીપી સ્કીમ નં.6 ના એફ. પી. નં. 159 પૈકીમાં ગેરકાયદેસર કબજો મેળવવામાં આવેલો છે. જેથી દંડ વસુલાત કરી જમીન ખુલ્લી શા માટે ન કરાવવી? અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? જેમકે સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે સમયે આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ જો સરકારી જમીન ઉપર દબાણ હોવાનું સાબિત થશે તો દંડનો હૂકમ કરી કલમ 202 હેઠળ દબાણ દૂર કરવામાં આવશે. મતલબ કે, આવનારા દિવસોમાં અંતિમ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગમે તે ઘડીએ જંગલેશ્ર્વરમાં ડિમોલિશન કરી સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવશે.
- Advertisement -
સરકારી જમીન હોવાથી વૈકલ્પિક જગ્યા આપવાનો પ્રશ્ર્ન નથી: જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જંગલેશ્ર્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીનમાં દબાણ કરનાર આસામીઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવશે કે કેમ તે અંગેના સવાલમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની જમીનમાં દબાણના કિસ્સામાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવતી હોય છે. સરકારી જગ્યામાં દબાણ પ્રશ્ર્ને આવી કોઈ જોગવાઈ ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો સવાલ ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું.
જંગલેશ્ર્વર વિસ્તારમાં 1358 આસામીને નોટિસ અપાઈ
જંગલેશ્ર્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ – 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે. જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી. જેનું આજે 19 જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મૂજબ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ટૂંક સમયમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જંગલેશ્ર્વરનાં 1358 મિલકત ધારકોના છેલ્લાં હિયરિંગમાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
આજી રિવરફ્રન્ટ માટેની કોઈ વાત જ નથી, બિલ્ડરોને ખટાવવા માટેનો આ ખેલ છે: આમદભાઈ નાઈ
‘70 વર્ષ પછી સરકારને યાદ આવ્યું કે અહીં દબાણ છે’ આ જમીન અમને રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાએ ફાળવી હતી
રાજકોટના જંગલેશ્ર્વરમાં અંદાજિત રૂ.400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને આપેલી છેલ્લી નોટિસનું આજે હિયરીંગ હતુ ત્યારે સ્થાનિકોએ રોસ ઠાલવતા કહ્યું કે, આજી રિડેવલોપમેન્ટ માટે જમીન ખાલી કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે આજી રિવરફ્રન્ટ કે આજી રિ ડેવલોપમેન્ટ માટેની કોઈ વાત જ નથી. ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને ખટાવવા માટેનો ખેલ છે. અહીં 1358 નહીં પરંતુ 4200 મકાનોના 25000 લોકોનો પ્રશ્ર્ન હોવાનું કહી ન્યાયની માંગણી કરી હતી.
જંગલેશ્ર્વરમાં રહેતા આમદભાઇ નાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજા મનોરસિંહ જાડેજા દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાં 1954 અને 1956માં જમીન આપવામાં આવી હતી. અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ. જોકે સરકારને અત્યારે યાદ આવ્યું છે કે અહીં દબાણ છે. અહીં હાલમાં 1358 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને તે અગાઉ 922 મકાન ધારકોને નોટિસ આપવામાં આવેલી છે. તેને વધુમાં કહ્યું કે, જેથી 4200 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે. જોકે સરકાર તરફથી અમને ન્યાયની અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જંગલેશ્ર્વરમાં દબાણકર્તાઓએ 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાંથી 2 એપ્લિકેશન હાઈકોર્ટે દ્વારા રદ્દ કરી દીધી છે. જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. જેનો મતલબ એ થાય છે કે, દબાણ દૂર કરવા બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલાં હાઇકોર્ટ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને સાંભળવામાં આવે.



