પ્રસ્થાન:
ચારો જુગ પ્રતાપ તુમ્હારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા
- Advertisement -
– તુલસીદાસ
મરૂત એટલે પવન, નંદન એટલે પુત્ર. તો હનુમાનજીને મારૂતિ કહેવાય એ હિસાબે પણ મારૂતિનંદન એટલે શું? હનુમાનજીનો પુત્ર? પણ એ તો બ્રહ્મચારી હતા અને પેલી એક ઘટના મુજબ પણ જોઈએ તો મારૂતિનંદન એટલે તેમનો પુત્ર મકરધ્વજ થાય. એટલે મારૂતિનંદન નહિ પણ મરૂતનંદન એમ કહેવું જોઈએ.
ઈન્દ્રએ વજ્ર જ્યાં માર્યું તે ભાગને હનુ કહેવાય છે, શુદ્ધ ગુજરાતીમાં ચિબુક અને બોલચાલની ભાષામાં દાઢી પણ તથા અંગ્રેજીમાં કહેવાય તેને ભવશક્ષ(ચીન). ત્યાં લાગ્યું એટલે નામ પડ્યું હનુમાન. પછી વરદાનના કારણે આખું શરીર વજ્ર જેવું થયું એટલે કહેવાયા બજરંગ (વજ્ર + અંગ).
સિરિયલવાળાઓ વાંદરા જેવા બતાવીને પાળ પીટી છે. હકીકતમાં શ્રીરામે ત્યાં જંગલમાં વસતા લોકો કે જે શારીરિકરીતે અત્યંત ખડતલ હતા તેમની મદદ લીધી હોવી જોઈએ. વનમાં વસનાર તરીકે કદાચ વનનર અને તેમાંથી વાનર એવું નામ પડ્યું હોવું જોઈએ. નાગ, દૈત્ય, અસુર, દાનવ, દ્રવિડ, આર્ય આ બધાની જેમ તેપણ એક જાતિસૂચક નામ હોવું જોઈએ. એવુંપણ માનવામાં આવે છે કે તેઓ વાંદરા જેવું મહોરું પહેરીને વિચરતા હોય.
ધ ડાર્ક નાઈટ મૂવીમાં અદભૂત પાત્રોનો કાફલો હતો તેમાંથી એક એટલે કમિશનર જીમ ગોર્ડન. તેની કેરેક્ટર આર્ક બહુ જોરદાર હતી. બેટમેનના આગમન પહેલાં તે બહુ રિઝર્વડ પ્રકારનું જીવન જીવતો હોય; સાથીઓ ભ્રષ્ટ હોવાથી તેની સાથે હળીમળી ન શકે, કામ પર તો પત્ની બાળકોની ચિંતામાં જ રહે. છતાં પણ, તે પોતાના કર્તવ્યથી ચૂકતો નથી, પોતાની રીતે જેટલું થાય એટલું કરતો જ રહે છે. આવા લોકોથી જ દુનિયા ચાલે છે. ખરેખર તો આવા બધા પાત્રો જટાયુના જ સહોદર છે. જટાયુને પણ ખબર હતી જ કે તે રાવણ જેવા મહાયોદ્ધાનો સામનો નહિ કરી શકે છતાં પણ તે લડ્યો પોતાના જીવની પરવાહ કર્યા વગર. મને ઘણીવાર થાય આ દેશ આટઆટલી અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, ગેરશિસ્ત હોવા છતાં પણ કેમ ચાલે છે તો તેનો જવાબ મળે કે ઘણી જગ્યાએ આવા કેટલાય ’જટાયુઓ’ પોતાનો ધર્મ પાળતા હોય છે.
ઘણીવાર માણસ પોતાના જીવનની જંજાળમાં એટલો અટવાઈ ગયો હોય છે કે તે ચાહે તો પણ તેમાંથી બહાર ન આવી શકે. ત્યારે તે ઝંખે છે કોઈ રામને કે જે તેને આ કશ્મકશમાંથી બહાર કાઢે. પણ પ્રભુ અને પીડાને ગાઢ સંબંધ છે. રામને મળવાની ક્ષણ પહેલા રાવણ સાથે જીવલેણ ભેટો થાય છે. જ્યારે મહાભારતમાં કૃષ્ણ કુંતીને તેમની ઈચ્છા પૂછે છે ત્યારે તેઓ પણ કહે છે કે અમને વધુ દુ:ખ જોઈએ છે કે જેથી અમે તમારી સમીપ રહી શકીએ. એક જીવ તરીકે જટાયુની આ જીવનચક્રમાંથી નીકળવાની ઝંખના સિતાંશુ યશશ્ચંદ્રએ તેમની કવિતા જટાયુમાં આબાદ નીરૂપી છે.
અત્યારે જ્યાંપણ મહાભારત, રામાયણ કે પુરાણો પર આધારિત કોઈપણ પોસ્ટ જોવા મળે ત્યાં પબ્લિક મૂઢની જેમ લાગી પડી હોય એવું કહેતા કે આ પૌરાણિક કથા નથી પણ ઇતિહાસ છે. મારા મતે ઇતિહાસમાં ઘટેલી બીનાઓને અમુકાંશે કલ્પનાનો ઢોળ ચડાવીને જ પુરાણોની કથા લખાયેલી હોવી જોઈએ.
હવે જો તમે તેને ઇતિહાસ કહેતા હોય તો રામ, કૃષ્ણ, પરશુરામ, શિવ, હનુમાન, પાર્વતી, સીતા, દ્રૌપદી, બુદ્ધ આ બધાને ઐતિહાસિક વ્યક્તિત્વો તરીકે વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલવવા જોઈએ. હવે ઘણા કહેશે કે આ બધા ભગવાન, દેવ કે દેવીનો દરજ્જો આપેલા વ્યક્તિત્વો છે. તો હું પણ તેમને ભગવાન જ માનું છું પણ મારી ભગવાનની વ્યાખ્યા થોડી અલગ છે.
જીવનને ટકાવી રાખનાર ચેતના અને તેની પણ ઉપર રહેલા બ્રહ્મની અભિવ્યક્તિ જેમાં પૂર્ણરૂપે થઈ હોય તે બધા મારા માટે ભગવાન છે. એટલે ઉપરોક્ત બધા ભગવાન અથવા તેમની સમીપ છે જ અને મારા માટે પૂજ્ય કે આરાધ્ય છે. પણ જો હવે આપણે તેમને ઐતિહાસિક વ્યક્તિ તરીકે મૂલવવા માગતા હોઈએ તો તેમના વ્યક્તિત્વ આગળ રહેલા મિથકોરૂપી પડળોને હટાવવા જોઈએ અને તે દિશામાં બહુ ઓછું કામ થાય છે હકીકત છે. આ બધું જાણવું એ મારું સપનું છે. જોઈએ ક્યારે પૂરું થાય છે.
જય હનુમાન જય સિયારામ
પૂર્ણાહુતિ:
- Advertisement -
વનનો લીલી અંધકાર જેમ કહે તેમ સહુ કરે,
ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે
– સિતાંશુ યશશ્ચંદ્ર



