દેશના 8 રાજ્યોની થીમ પર ગણતંત્ર દિવસની આમંત્રણ પત્રિકા તૈયાર
અષ્ટલક્ષ્મી થીમ : સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સંસ્કૃતિ, હસ્તકલા અને કુદરતી સૌંદર્યને રજૂ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
રાષ્ટ્રપતિ ભવન દ્વારા 26 જાન્યુઆરી, 2026ના ગણતંત્ર દિવસ નિમિત્તે મહેમાનોને મોકલવાની આમંત્રણ પત્રિકા (ઇન્વિટેશન કીટ) બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય સતત ત્રીજા વર્ષે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (ગઈંઉ), અમદાવાદને સોંપવામાં આવ્યું છે. આ વર્ષે આમંત્રણ પત્રિકાની થીમ ‘અષ્ટલક્ષ્મી’ રાખવામાં આવી છે, જેમાં ભારતના ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યો – સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત હસ્તકલા અને કુદરતી સૌંદર્યને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ વર્ષે પણ થીમ નક્કી કરવામાં આવી હતી અને તેના આધારે ગઈંઉ અમદાવાદની ટીમે માત્ર 45 દિવસમાં 350થી વધુ લોકો – જેમાં 200થી વધુ ઉત્તર-પૂર્વીય કારીગરો, ગઈંઉના 100 જેટલા ફેકલ્ટી-સ્ટાફ અને બાકીના પૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓના સહયોગથી કુલ 950 આમંત્રણ કીટ તૈયાર કરીને રાષ્ટ્રપતિ ભવનને સોંપી દીધી છે. આ કીટમાં હાથવણાટ, વાંસ વણાટ, કાળી માટીની કલાકૃતિ, શુગુ શેંગ કાગળ, પુઆનચી શાલ, ગોગોના વાદ્ય, તાંગખુલ માટીકામ અને અન્ય પરંપરાગત કળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દરેક રાજ્યની અનોખી ઓળખ અને સ્થાનિક કારીગરોની કુશળતાને પ્રતિબિંબિત કરે છે.
ઉત્તરપૂર્વીય પ્રદેશના દરેક રાજ્યની સંસ્કૃતિનું કલાત્મક પ્રદર્શન
- Advertisement -
આમંત્રણ પત્રિકાના કવર અને બોક્સ પરના સુશોભન માટેની જે રૂપરેખાઓ છે તે આસામી હસ્તપ્રત ચિત્ર શૈલીથી પ્રેરિત છે તો નીચેના ભાગે કાપડનું પેનલ ભારતના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ અષ્ટકોણીય વણાટ પેટર્ન સાથે ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશના દરેક રાજ્યના હાથથી બનાવેલા વણાટનું કલાત્મક પ્રદર્શન પણ આ આમંત્રણ પત્રિકામાં જોવા મળશે. ત્રણ રંગોના દોરા પણ કમર-લૂમના આકારને ઉજાગર કરે છે. કમર-લૂમ એ ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાપડ વણાટ કરવા માટે વપરાતું વણાટનું સાધન છે. બહારના કવરમાં હાથથી બનાવેલા કાગળનો ટેગ હોય છે જેમાં સરનામું લખવામાં આવ્યું છે તે વાંસની કલાકૃતિ જોડાયેલું હોય છે.
એમ્બ્રોઈડરીમાં ડિઝાઈન કંચનજંઘા પર્વતની બનાવવામાં આવી
પ્રથમ સિક્કિમના વોવન નેટલ ફેબ્રિકના આધારે બનાવવામાં આવ્યું છે. વોવન નેટલ ફેબ્રિકના ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લાવીને તેનું ફેબ્રિક બનાવવામાં આવે છે. જેમાં એમ્બ્રોડરીમાં ડિઝાઇન કંચનજંગા પર્વતની બનાવવામાં આવી છે. કંચનજંગા ઇન્ડિયાની પહેલી યુનેસ્કો હેરિટેજ સાઇટ છે. જે નેચરલ અને કલ્ચર પર બનાવવામાં આવી છે. પૃથ્વી પરનો સૌથી વધુ વરસાદ મેઘાલયમાં થતો હોય છે. તેમજ મેઘાલયમાં વાંસ અને વણાટની ખૂબ જ વિકસિત પરંપરા છે. જેથી ત્યાંના લોકો વરસાદથી જે બચવા વાંસ વણાટનું છત તૈયાર કરતા હોય છે. જેથી તેના મારીટિયલ અને સેમ્પલ સાથેનું ક્રાફટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
અનોખા હાથવણાટ કાપડની એક ખાસ રજૂઆત
ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં હાથવણાટ વણાટની જીવંત પરંપરા છે. જે રોજિંદા જીવન અને સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલી છે. દરેક રાજ્ય અને સમુદાયની પોતાની વિશિષ્ટ કાપડ પરંપરાઓ, ડિઝાઇન અને તકનીકો છે. જે પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. હાથવણાટ વણાટ પણ આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ખાસ કરીને મહિલા કારીગરો માટે. તેમાં પણ આમંત્રણ સાથે જોડાયેલ રંગબેરંગી પટ્ટો આ અનોખા હાથવણાટ કાપડની એક ખાસ રજૂઆત છે. હાથવણાટ વણાટ ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રના રોજિંદા જીવન અને પરંપરાઓમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. દરેક રાજ્ય અને સમુદાયના પોતાના વિશિષ્ટ કાપડ, પેટર્ન અને તકનીકો માટે ઓળખાય છે. જે પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓને બહાર લાવે છે.
આમંત્રણ પત્રિકાની પેટીમાં વણાયેલી વાંસની સાદડીનો ઉપયોગ
વાંસ ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના અર્થતંત્ર અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વાંસ વણાટ, બાંધકામ અને પરંપરાગત હસ્તકલા દ્વારા આજીવિકા પૂરી પાડે છે. ઝડપથી વિકસતા અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા, વાંસનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ વિકાસને સશક્ત બનાવવામાં મદદરૂપ થાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવન દ્વારા જે આમંત્રણ પત્રિકા આપવામાં આવશે તેની પેટીમાં વણાયેલી વાંસની સાદડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લૂમ પર બનાવવામાં આવે છે. તેમજ રંગેલા સુતરાઉ દોરા અને બારીક વાંસના પટ્ટાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ તકનીક ત્રિપુરા રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય છે.



