પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીના એક નિવેદનથી ભારતીય ક્રિકેટમાં નવો વિવાદ સર્જાયો છે. તિવારીના મતે, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને વનડે કેપ્ટનપદેથી હટાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તિવારીનો દાવો છે કે આ નિર્ણય સીધો લેવાયો ન હતો, પરંતુ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર પર પ્રભાવ પાડીને તેને લાગુ કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
- Advertisement -
ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી, ત્યારે રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને નવા કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ઘણા સવાલો ઉભા થયા હતા, કારણ કે રોહિત વનડેમાં શાનદાર ફોર્મમાં હતો અને 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યો હતો.
‘પડદા પાછળ ગંભીરની ભૂમિકા’
મનોજ તિવારીએ એક વાતચીતમાં જણાવ્યું કે, “અજીત અગરકર એક મજબૂત વ્યક્તિત્વ છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે. પરંતુ આટલો મોટો નિર્ણય એકલા ન લઈ શકાય. પડદા પાછળ ઘણી વસ્તુઓ થતી હોય છે. આમાં કોચ (ગૌતમ ગંભીર) નો ઇનપુટ ચોક્કસપણે રહ્યો હશે.” તિવારીને શંકા છે કે રોહિતને હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે પસંદગી સમિતિનો ન હતો.
- Advertisement -
‘રોહિતનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે’
મનોજ તિવારીએ એ પણ સ્વીકાર્યું કે કેપ્ટનપદેથી હટાવાયા બાદ રોહિત શર્માની ODI ફોર્મેટમાં રસ ઓછો થઈ ગયો હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે રોહિત પહેલાની જેમ મેદાન પર એનિમેટેડ દેખાતો નથી અને તેનો ઉત્સાહ ઓછો લાગે છે.
‘આટલા મોટા ખેલાડીનું અપમાન ન થવું જોઈએ’
તિવારીએ રોહિત શર્માના નેતૃત્વનો બચાવ કરતા કહ્યું, “મેં રોહિત સાથે રમ્યું છે. તેમને જે રીતે હટાવાયા તે ખૂબ જ અપમાનજનક લાગ્યું. આટલા મોટા ખેલાડી સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ હતો.” તેમણે ઉમેર્યું કે રોહિતે કેપ્ટન તરીકે બે ICC ટ્રોફી જીતી છે અને તેમને હટાવવા પાછળ કોઈ ક્રિકેટિંગ તર્ક ન હતો. જો યુવા ખેલાડીને જવાબદારી આપવી જ હતી, તો આ પ્રક્રિયા ધીમે ધીમે અને સન્માનજનક રીતે કરી શકાઈ હોત. મનોજ તિવારીના આ ગંભીર આરોપો પર હજુ સુધી BCCI, અજીત અગરકર કે ગૌતમ ગંભીર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, તિવારીનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનો વિષય બન્યું છે.




