ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓનો ધમધમાટ, કલેકટર દ્વારા ભવનાથ ક્ષેત્રનું સ્થળ નિરીક્ષણ
એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને ટ્રાફિક મેનેજમેન્ટનું સુદ્રઢ આયોજન કરાશે
- Advertisement -
ભવનાથ સહિત દબાણ હટાવો ઝુંબેશ અને મેળાના રૂટનું સૂક્ષ્મ નિરીક્ષણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં યોજાનારો સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રી મેળો આ વર્ષે રાજ્ય સરકારના વિશેષ સહયોગથી અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોના આસ્થાના પ્રતીક સમાન આ મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કરી સાધુ-સંતો અને ભાવિકોની સુવિધા માટે તંત્રને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
મહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી સાધુ-સંતોની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં થતું શાહી સ્નાન. જિલ્લા કલેકટરે ભવનાથ મંદિર અને મૃગીકુંડની મુલાકાત લઈને આ પવિત્ર ક્ષણ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરી હતી. સાધુઓના સ્નાન સમયે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને ભીડનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્નાન સમયે કુંડની આસપાસની બેઠક વ્યવસ્થા અને પ્રકાશની સુવિધા અંગે પણ કલેકટરે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી.
મહાશિવરાત્રીની રાત્રે ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, જેના કારણે દરેક શ્રદ્ધાળુ મૃગીકુંડ સુધી પહોંચી શકતો નથી. આ બાબતને ધ્યાને રાખીને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એક નવતર આયોજનની જાહેરાત કરી છે. વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સાધુ-સંતોના શાહી સ્નાનને નિહાળી શકે તે માટે ભવનાથ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. આ સુવિધાને કારણે ભીડ એક જ જગ્યાએ એકત્રિત થવાને બદલે વહેંચાઈ જશે અને લોકો દૂર રહીને પણ દર્શનનો લાભ લઈ શકશે.
લાખોની સંખ્યામાં ઉમટતા ભાવિકોની અવર-જવરને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (નિકાસ) પોઈન્ટ્સનું વૈજ્ઞાનિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેકટરે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સાથે પરામર્શ કરીને એવા પોઈન્ટ્સ નક્કી કરવામાં આવશે જ્યાંથી લોકોની અવર-જવર એકતરફી રહે, જેથી નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય. આ ઉપરાંત, ભવનાથ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મેળાની ગરિમા જળવાય અને રવેડીનો રૂટ પ્રશસ્ત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સાધુ-સંતો સાથે મળીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાવિકોની સુગમતા માટે ભવનાથ મંદિર પરિસરના અમુક બિનજરૂરી સ્ટ્રક્ચરો પણ દૂર કરવામાં આવ્યા છે. રવેડીના માર્ગ પર આવતા નાના-મોટા દબાણો અને અવરોધોને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીનો હેતુ સાધુઓની રવેડી નિર્વિઘ્ને નીકળે અને ભક્તોને હરવા-ફરવામાં સરળતા રહે તેવો છે. મેળાના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લાના તમામ મુખ્ય વિભાગોના વડાઓ આ મુલાકાતમાં જોડાયા હતા. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓએ કલેકટર સાથે રહીને પોતપોતાના વિભાગની જવાબદારીઓનું વિશ્લેષણ કર્યું હતું. મહાશિવરાત્રીના મેળાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરના આ સઘન નિરીક્ષણ અને દિશાનિર્દેશોથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષનો મહાશિવરાત્રી મેળો માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સુવ્યવસ્થિત વહીવટનું પણ ઉત્તમ ઉદાહરણ બનશે. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને સુરક્ષાના કડક અમલ માટે રાત-દિવસ એક કરવામાં આવી રહ્યા છે.



