વનવિભાગે પાંજરા ગોઠવી હિંસક દિપડાને પકડી પાડ્યો: હિંસક પ્રાણીઓથી સાવચેતી રાખવા વનવિભાગની અપીલ
આદમખોર દિપડો શ્રમજીવીના મોઢાનો ભાગ ખાઈ ગયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવી ઉપર હિંસક દિપડાએ હુમલો કરતાં શ્રમજીવીનું મરણ થયું હતું.આ બનાવથી રસુલપરા ગીર ગામના સીમ વિસ્તારમાં કામ કરતા શ્રમજીવીઓ તથા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે રસુલપરા ગીર ગામના ખેડૂત છગનભાઈ નાથાભાઈ માથુકીયા ની વાડીમાં શેરડી કટાઈ ની કામગીરી ચાલતી હતી.આ કામગીરી માટે મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના તલોદ ગામેથી પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવીઓ રહેતા હતા. સવારે નાનસિંગભાઈ વિક્રમભાઈ પાડવી ઉ.વ.52 વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ કુદરતી હાજતે ગયા હતા ત્યારે શેરડીના વાડમાં છુપાઈને બેઠેલા હિંસક દિપડાએ નાનસિંગભાઈ ઉપર છલાંગ લગાવી હુમલો કર્યો હતો.હુમલો કરી આદમખોર દિપડો નાનસિંગભાઈ ને ગળાના ભાગેથી પકડી શેરડીના વાડમાં અંદર 50 મીટર દૂર ઢસડી ગયો હતો ત્યાં દિપડો શ્રમજીવીના મોઢાનો ભાગ ખાઈ ગયો હતો.આ બનાવની જાણ ગ્રામજનોએ વનવિભાગની કચેરીને કરતાં તાલાલા આર.એફ.ઓ.ધવલભાઈ વઘાસિયા તથા વનપાલ પ્રવીણભાઈ વાળા,રાઉન્ડ સ્ટાફ,લેબર ટ્રેકર ટીમ તુરંત બનાવનાં સ્થળે દોડી જઈ મૃતક શ્રમજીવીની બોડીને પી.એમ માટે તાલાલા હોસ્પિટલે લાવેલ..ફરજ પરના તબીબ ડો.હિરેન કારેલીયા એ પી.એમ.કરી બોડી તેમના પરિવારજનોને સોંપી હતી.
માનવભક્ષી બનેલ હિંસક દિપડાને ઝડપી લેવા વનવિભાગે મારણ રાખી પાંજરા ગોઠવ્યાં હતા…મારણ ખાવા આવેલ દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો.હિંસક દીપડાની ઉંમર અંદાજે નવ વર્ષની છે તેમને સાસણ ગીર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.માનવભક્ષી બનેલ હિંસક દીપડો પકડાઈ જતા શ્રમજીવીઓ તથા ગામ લોકોએ રાહત અનુભવી છે.તાલાલા વિસ્તારમાં દેશી ખુશ્બુદાર ગોળ બનાવવા અંદાજે 60 જેટલા વિવિધ ગામોમાં ગોળના રાબડા કાર્યરત છે.ગોળના રાબડા માટે શેરડી લાવવાની કામગીરી પરપ્રાંતિય મજુરો કરી રહ્યા છે…તાલાલા પંથકના વિવિધ ગામોમાં શેરડી કટાઈ ની કામગીરી કરી પેટીયું રળવા આવેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વધુ હિંસક પ્રાણીઓનો ભોગ બને નહીં માટે લાગતાં વળગતા સત્તાવાળાઓએ પરીણામલક્ષી ઠોંસ કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગણી
ઉઠી છે.
તાલાલા વિસ્તારમાં શેરડીનો પાક તૈયાર થઈ ગયો છે.ગોળના રાબડાના સંચાલકો દ્વારા ગોળ બનાવવા ખેડૂતો પાસેથી શેરડી ખરીદી રહ્યા છે.શેરડી કટાઈ ની કામગીરી માટે તાલાલા પંથકમાં આવેલ પરપ્રાંતિય શ્રમજીવીઓ ગામડે ગામડે શેરડી કટાઈ ની કામગીરી કરી રહ્યા છે ત્યારે ખેડૂતો તથા શેરડી કટાઈ માટે બહારના રાજ્યોમાંથી પેટીયું રળવા આવેલ પરપ્રાંતીય મજૂરોને હિંસક વન્ય પ્રાણીઓથી રાત્રિના સમયે સાવચેત રહેવું ખુબજ જરૂરી છે માટે સૌએ સાવચેત રહેવા તાલાલાનાં આર.એફ.ઓ.ધવલભાઈ વઘાસિયા એ અપીલ કરી છે.વહેલી સવાર,સાંજના સમયે અને રાત્રે વન્ય પ્રાણીઓ વધુ સક્રિય હોય છે ત્યારે માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ બનતી અટકાવવા નાનાં બાળકોને સુરક્ષિત રાખવા તથા શેરડીની કટાઈ સમયે સાવધાનીપૂર્વક કામગીરી કરવી તેમજ માંસ અને માછલીનો વધેલો ખોરાકનો રહેઠાણની આસપાસ ફેંકવો નહીં તેમ આર.એફ.ઓ.એ ઉમેર્યું હતું.



