જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઉતરાયણ પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી થશે
ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગોસેવા સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
- Advertisement -
શહેરની બજારોમાં અવનવી પતંગોની ખરીદી કરવા લોકોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ શહેર સહીત સમગ્ર સોરઠ પંથકમાં ઉતરાયણ પર્વની ઉજવણી માટે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાંતિ પર્વે પવનની ગતિ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. પર્વના એક દિવસ અગાઉથી જ આકાશમાં પતંગોના પેચ લડતા જોવા મળી રહ્યા છે. ઉતરાયણના દિવસે વહેલી સવારથી જ શહેરીજનો પોતાના ધાબા પર પતંગબાજીની મોજ માણશે, જેની સાથે ચીકી અને ઊંધિયું જેવી વાનગીઓની જ્યાફત ઉડશે. જૂનાગઢના બજારોમાં છેલ્લા ત્રણ દિવસથી ખરીદી માટે ભારે ભીડ ઉમટી રહી છે. આ વર્ષે બજારમાં વિવિધ થીમ આધારિત પતંગોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. બજારોમાં ’ઓપરેશન સિંદૂર’ થીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી પતંગોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાળકો માટે ખાસ કાર્ટૂન કેરેક્ટર વાળી પતંગો, સિંહ-વાઘ જેવા માસ્ક અને અવનવા વાજિત્રો પણ બજારમાં ઉપલબ્ધ છે. પતંગોના ભાવ 25 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે, જ્યારે ફિરકીની કિંમત 550 રૂપિયાથી શરૂ કરી 2500 રૂપિયા સુધી પહોંચી છે. શહેરમાં પતંગ-ફિરકીના અંદાજે 300 જેટલા સ્ટોલ લાગ્યા છે અને માંજો પાવા માટે ખાસ કારીગરોને ત્યાં પણ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. મકરસંક્રાંતિ એટલે પતંગની સાથે ઊંધિયું ખાવાની અનોખી મજા. શિયાળો ભરપૂર જામ્યો હોવાથી અને લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવતા હોવાથી લોકોમાં ઊંધિયુંનો ભારે ક્રેઝ છે. શહેરમાં આશરે 100 જેટલા વેપારીઓ દ્વારા ખાસ ગ્રીન અને લાલ ચટાકેદાર ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું છે. પતંગની કાપ્યોની બૂમો વચ્ચે ધાબા પર ગરમાગરમ ઊંધિયું અને જલેબીની મોજ માણવા લોકો ભારે ઉત્સુક છે. જૂનાગઢમાં ઉત્સવની સાથે સેવા અને ભક્તિનું પણ મહત્વ જળવાઈ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. ગૌસેવા અર્થે ’શ્રીનાથજીની ઝાંખી’ શ્રી નંદરાયજી ગૌશાળા દ્વારા બીમાર અને નિરાધાર ગૌવંશના નિભાવ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ’સુદર્શન ગ્રુપ – નિતિન લીંબડ પ્રસ્તુત’ આ કાર્યક્રમમાં આઠ સમાના દર્શન, નંદ મહોત્સવ, કૃષ્ણ-સુદામા મિલન અને ફૂલડોલ રાસ જેવા સ્ટેજ પ્રોગ્રામ રજૂ થશે. આ કાર્યક્રમ તા. 13ને મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે ખાખીનગર, પેટ્રોલ પંપ સામે, ઝાંઝરડા રોડ ખાતે યોજાશે. પક્ષી બચાવો અભિયાન (જીવદયા) ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે વિશેષ અભિયાન અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ’શ્રી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ’ (એનીમલ હેલ્પલાઇન) દ્વારા તળાવ દરવાજા શહિદ પાર્ક ખાતે ખાસ સારવાર કેમ્પ યોજાશે. સંસ્થાઓ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે પક્ષીઓની સુરક્ષા જાળવીને માનવતા અને પુણ્યનું ભાથું બાંધે. આમ, જૂનાગઢ શહેર ભક્તિ, ભોજન, પતંગબાજી અને જીવદયાના અનોખા સંગમ સાથે આ વર્ષની મકરસંક્રાંતિ ઉજવવા સજ્જ બન્યું છે.
- Advertisement -
જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની લોકોને અપીલ
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા મકરસંક્રાંતિ પર્વે એક ખાસ અપીલ કરવામાં આવી છે. તેમેણે કહ્યું છે કે, ઉતરાયણ પર્વે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહિ જો કોઈ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરશે તો કાયદેસર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેની કડક રીતે અમલવારી કરવામાં આવશે જયારે જૂનાગઢ સહીત જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે અને ઉત્તરાયણ પર્વ શાંતિ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી થાય તેવી શુભકામના પાઠવી છે.



