જુદા જુદા 6 વિશાળ ડોમમાં જુદી જુદી થીમ સાથે પ્રદર્શન: ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોની ઝલક જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે રાજ્યમાં ઉદ્યોગ અને સાહસિકતાને વેગ આપવા માટે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના ભાગરૂપે જનતા અને ઉદ્યોગકારો માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા 6 વિશાળ ડોમમાં જુદી જુદી થીમ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોની ઝલક જોવા મળી રહી છે.
આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર હોલ નંબર 4 બની રહ્યો છે, જ્યાં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ આધારિત વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ હોલમાં ગુજરાતના દરિયાકાંઠાની સમૃદ્ધિ અને તેનાથી મળતી આર્થિક તકોને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. અહીં મુલાકાતીઓ પ્રવેશતાની સાથે જ ગુજરાતના બ્લુ ઇકોનોમીના સામર્થ્યનો અનુભવ કરી શકે છે.
આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ગુજરાત મેરિટાઈમ બોર્ડ – ૠખઇ દ્વારા તૈયાર કરવામાં આવેલો અદભૂત સ્ટોલ છે. આ સ્ટોલને એક વિશાળ જહાજના આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે દૂરથી જ મુલાકાતીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ થીમ આધારિત સ્ટોલ દ્વારા ગુજરાતના બંદર વિકાસ અને સમુદ્રી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને વાસ્તવિક અનુભવ સાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ જહાજ આકારના સ્ટોલની અંદર વિવિધ આધુનિક માધ્યમો દ્વારા ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા બંદરો, જેટીઓ અને આગામી મેરિટાઈમ પ્રોજેક્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને બંદર ક્ષેત્રે રોકાણની નવી તકો, લોજિસ્ટિક્સ સુવિધાઓ અને સમુદ્રી વેપારમાં ગુજરાતનું વિશ્વભરમાં વધતું વર્ચસ્વ દર્શાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન ઉદ્યોગ સાહસિકો માટે માહિતીપ્રદ અને સામાન્ય નાગરિકો માટે કુતૂહલ જગાડનારું સાબિત થશે.
ઉદ્યોગ વિકાસ માટે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડી ઉપરાંત સ્કિલ મેનપાવર પણ અનિવાર્ય: ડૉ.ઉત્પલ જોશી
વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ: ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલ્સ પેનલમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીની તજજ્ઞ તરીકે ઉપસ્થિતિ
- Advertisement -
જો યોગ્ય કૌશલ્ય ધરાવતા યુવાનો તૈયાર નહીં થાય, તો ટેકનોલોજીકલ પ્રગતિનો પૂર્ણ લાભ લઈ શકાશે નહીં
રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (કચ્છ અને સૌરાષ્ટ્ર)’ માં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ જેવા ભવિષ્યલક્ષી વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશીએ એક મુખ્ય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી શૈક્ષણિક અને વ્યાવહારિક પાસાઓ રજૂ કર્યા હતા.
ડો. ઉત્પલ જોશીએ અત્યંત સચોટ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉદ્યોગની સફળતા માત્ર અદ્યતન મશીનરી કે કરોડોના રોકાણ પર નિર્ભર નથી, પરંતુ તે ટેકનોલોજીને ચલાવવા માટે સક્ષમ અને કુશળ માનવ સંસાધન પર ટકેલી છે. તેમણે ઉમેર્યું કે જેમ જેમ ઉદ્યોગો ગ્રીન એનર્જી તરફ વળી રહ્યા છે, તેમ તેમ શિક્ષણ સંસ્થાઓએ પણ તે મુજબના અભ્યાસક્રમો તૈયાર કરવા પડશે. ડો. જોશીના આ ’સ્કિલફુલ ઇન્સાઇટ’ને પેનલમાં ઉપસ્થિત અન્ય ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતોએ મુક્તકંઠે વધાવી લીધો હતો. સૌએ સ્વીકાર્યું હતું કે જો યોગ્ય કૌશલ્ય ધરાવતા યુવાનો તૈયાર નહીં થાય, તો ટેકનોલોજીકલ પ્રગતિનો પૂર્ણ લાભ લઈ શકાશે નહીં. વાઇબ્રન્ટ ગુજરાત જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સક્રિય ભાગીદારી એ બાબતની પ્રતીતિ કરાવે છે કે યુનિવર્સિટી હવે માત્ર ડિગ્રી આપવા પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં પણ ભાગીદાર બની રહી છે.



