પરંપરાગત ખાણી-પીણી અને રંગબેરંગી પતંગોથી છલકાતી રાજકોટની મુખ્ય બજારો
આભમાં પતંગ અને બજારમાં ભીડ: રાજકોટમાં મકરસંક્રાંતિની છેલ્લી ઘડીની ખરીદી
- Advertisement -
આવતીકાલે મકરસંક્રાંતિના પર્વને લઈને રંગીલા રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના આગલા દિવસે શહેરની મુખ્ય બજારો જેવી કે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને પેલેસ રોડ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ લોકો પતંગ અને માંજો (દોરી)ની ખરીદી કરવા ઉમટી પડ્યા છે, જેના કારણે બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ઉત્તરાયણ માત્ર આકાશના રંગોનો જ નહીં, પણ સ્વાદનો પણ તહેવાર છે. રાજકોટમાં તલ અને સીંગની ચીકીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચીકીના સ્પેશિયલ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તલ, સીંગની ચીકીની સાથે ડ્રાયફ્રૂટ ચીકી, જામફળ, બોર અને શેરડીની ખરીદી માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે ધાબા પર ખાવામાં આવતા જીંજરા અને શેરડીનું વેચાણ પણ ચરમસીમાએ પહોંચ્યું છે. આ વર્ષે પતંગ બજારમાં નવીનતમ ડિઝાઇનની પતંગો અને મજબૂત દોરીની માંગ વધુ છે. જોકે, ઉત્તરાયણની પરંપરાગત મજા ખાણી-પીણી વગર અધૂરી હોવાથી, ફરસાણ અને મીઠાઈની દુકાનો પર પણ અગાઉથી ઓર્ડર અપાઈ રહ્યા છે. પર્વના આગલા દિવસે લોકો છેલ્લી ઘડીની ખરીદી પૂરી કરી લેવા આતુર દેખાઈ રહ્યા છે.



