આવતીકાલે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં યોજાશે મુકાબલો
100 પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરા સાથે, બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વૉડ સતત સ્ટેડિયમનું ચેકિંગ કરશે
- Advertisement -
5000 કાર, 5000 બાઈક પાર્ક થઈ શકે તેવી 7 સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી : એસપી ગુર્જર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જામનગર રોડ ઉપર આવેલા નીરંજન શાહ કરીએક્ત સ્ટેડીયમમાં કાલે તા.17ને બુધવારે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વનડે મેચને લઈ રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 1300થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની રાહબરીમાં સ્ટેડીયમમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ ખડેપગે રહેશે મેચ પૂર્ણ થયા બાદ ટ્રાફિકજામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા મેચ જોવા આવનાર તમામને તાકિદ કરવામાં આવી છે કે જો વાહનો રોડ પર રાખવામાં આવેલ નજરે પડશે તો પોલીસ દ્વારા લોક અથવા ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરએ ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનાર મેચ અંતર્ગત પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે મેચમાં 3 એ.એસ.પી, 4 ડી.વાય.એસ.પી, 14 પી.આઇ, 42 પી.એસ.આઇ, 700 પોલીસ જવાનો, 38 ટ્રાફીક પોલીસ, 400 ટી.આર.બી. તથા જી.આર.ડીના સભ્યો, 100 પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરા સાથે, બી.ડી.ડી.એસ. અને ડોગ સ્કોડ સાથે સતત સ્ટેડીયમનુ ચેકીંગ કરશે આ સ્ટેડીયમમાં એન્ટી ડ્રોન સીસ્ટમ તથા બે ડ્રોન કેમેરાનો મેચ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવશે તેમજ ત્રણ વોચ ટાવર તથા સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે મેચ દરમ્યાન સંપૂર્ણ સ્ટેડીયમ, પાર્કીંગ તથા આજુ-બાજુનો રોડ સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલ હોય જેથી કોઇ પણ અપરાધિક પ્રવૃતિ જણાય આવ્યે તેમના ઉપર પોલીસની સતત નજર રહેશે. જો કોઇ સમસ્યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો અથવા મેઇન એન્ટ્રી ગેઇટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવેલ છે તેનો સંપર્ક કરવો.
- Advertisement -
પ્રેક્ષકો માટે 7 સ્થળે વાહન પાર્કની વ્યવસ્થા
મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે 7 સ્થળે વાહન પાર્કિંગની વ્યવસ્થા ખંઢેરી પંચાયતના સંકલનથી કરવામાં આવી છે જેમાં 5000 કાર, 5000 બાઈક પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રેક્ષકોને સુચન કરવામાં આવે છે કે આપના વાહન ઉપરોકત પાર્કિંગમાં જ પાર્ક કરવા જે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કીંગનો પાસ મળેલ છે તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-1 ઉપર થી પ્રવેશ મેળવી અને સ્ટેડીયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે.
ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરાયા
ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ નજીકથી રાજકોટ જામનગર હાઇવે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચના કારણે ટ્રાફીકજામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફીક નિયમન માટે તા.14/01/2026 ના કલાક 10/00 થી તા.14/01/2026 ના ક.24/00 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા ભારે વાહનોને પડધરી મોવૈયા સર્કલ થી ડાયવર્જન આપી, જે વાહનોને પડધરી- નેકનામ – મિતાણા થઇ રાજકોટ તરફ આવવા માટે ડ્રાઇવર્ટ કરવામાં આવેલ છે રાજકોટ થી જામનગર જતા વાહનોને રાજકોટ માધાપર ચોકડી થી મોરબી રોડ-મિતાણા, ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ ડાઇવર્ટ કરવા સારૂ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે. જેની તમામ વાહન ચાલકોએ નોંધ લેવી પાર્કિંગ સીવાય રોડ ઉપર કે હોટલ કે અન્ય કોઇ ખાનગી જગ્યામાં વાહનો પાર્ક કરવા નહી જો કોઇ જગ્યાએ આવી રીતે અનઅધિકૃત પાર્કિંગ ના કારણે રોડ ઉપર ટ્રાફીક જામ થશે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી મેચ જોવા આવતા પ્રેક્ષકોને માર્ગદર્શક સુચના
મેમ્બર પાસ તથા ટીમને મેઇન ગેઇટથી એન્ટ્રી કરવામાં આવશે.
મીડીયા અને ઓર્ગેનાઇઝરને આઉટર ગેઇટ નં-03થી એન્ટ્રી આપવામાં આવશે.
ઇસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના દર્શકોને આઉટર ગેઇટ નં-04થી એન્ટ્રી આપવામાં આવશે.
સ્ટેડીયમમાં બેગ, ટીફીન, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, વિડીયો કેમેરા, લાકડી, હથિયાર જેવી કોઇપણ વસ્તુ લઇ જવાની મનાઈ
કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી.
કોઇ વ્યકિત સ્ટેડીયમમાંથી ગ્રાઉન્ડમાં કોઇ પદાર્થ ફેંકતા પકડાશે તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેડીયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહી



