સરકારી નોકરી એ જાહેર સંપત્તિ છે, પારદર્શક ભરતી પ્રક્રિયાની ગરિમા અને નિયમોનું પાલન અનિવાર્ય: સર્વોચ્ચ અદાલતનો મોટો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા દેશભરના લાખો કોન્ટ્રાક્ટ (કરાર) પર કામ કરતા કર્મચારીઓને મોટો આંચકો આપ્યો છે.
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે, કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર આધારિત નિમણૂક મેળવનારા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત અને કાયમી કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં.
આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે નિયમિત ભરતી અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતી વચ્ચે કાયદાકીય રીતે મોટું અંતર છે અને તેને એક સમાન ગણી શકાય નહીં.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે અત્યંત ગંભીર અવલોકનો કર્યા હતા.
અદાલતે જણાવ્યું હતું કે, સરકારી નોકરી એ કોઈ ખાનગી સંસ્થાની મિલકત નથી, પરંતુ તે એક ’જાહેર સંપત્તિ’ છે. આ જાહેર સંપત્તિ પર દેશના દરેક લાયક અને પાત્ર નાગરિકનો સમાન અધિકાર છે. અદાલતે ભારપૂર્વક કહ્યું કે, નિયમિત નિમણૂક એક અત્યંત જટિલ અને પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જાહેર જાહેરાત, લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત જેવા અનેક તબક્કાઓ સામેલ હોય છે, જેમાં તમામ લાયક ઉમેદવારોને સમાન તક મળે છે. તેની સામે, કોન્ટ્રાક્ટ પરની ભરતી એ માત્ર એજન્સીની મરજી કે જરૂરિયાત પર નિર્ભર હોય છે. આથી, કાયદાની નજરમાં આ બંને શ્રેણીઓ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એક પલડામાં તોળી શકાય નહીં.
આ વિવાદની શરૂઆત આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની નંદયાલ નગરપાલિકાના કેસથી થઈ હતી. વર્ષ 2018માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે નંદયાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે આ કોન્ટ્રાક્ટ કામદારોને પણ નિયમિત કર્મચારીઓ જેવું જ વેતન અને અન્ય તમામ ભથ્થાઓ આપવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને કાયદેસર રીતે ભૂલભરેલો ગણાવીને રદ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો નિયમિત કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો આ તફાવત ખતમ કરી દેવામાં આવે, તો નિમણૂકની વિવિધ વૈધાનિક પદ્ધતિઓ, જેવી કે કાયમી, કરાર આધારિત કે તદર્થ વ્યવસ્થાનો મૂળભૂત આધાર જ નાશ પામશે. અદાલતે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે અલગ-અલગ હેતુઓ માટે અલગ-અલગ પ્રકારની ભરતી કરવાની સત્તા છે અને તેને પડકારી શકાય નહીં.
1994થી કામ કરતા કામદારોની આશાઓ પર ફરેલું પાણી
નોંધનીય છે કે આ કેસમાં સંડોવાયેલા સફાઈ કામદારો વર્ષ 1994થી ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકામાં કાર્યરત હતા. સમય જતાં કોન્ટ્રાક્ટરો બદલાતા રહ્યા હતા, પરંતુ કામદારોની સ્થિતિ કરાર આધારિત જ રહી હતી. તેઓએ એવી દલીલ કરી હતી કે તેઓ વર્ષોથી સમાન કામ કરી રહ્યા છે, તેથી તેમને સમાન વેતન મળવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમની સેવાની શરતો માટે જે-તે કોન્ટ્રાક્ટર સાથે બંધાયેલા હોય છે, નહીં કે સીધા સરકાર સાથે. આ ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જે કર્મચારીઓ જાહેર સ્પર્ધાત્મક પ્રક્રિયાનો ભાગ બન્યા વિના કોન્ટ્રાક્ટ પર જોડાયા છે, તેઓ નિયમિત સ્ટાફ જેવા નાણાકીય કે અન્ય લાભો માટે હકદાર નથી. આ ચુકાદો આવનારા સમયમાં દેશભરના અનેક સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર મોટી અસર પાડશે તેવું મનાઈ રહ્યું છે.



