પતંગના પેચ, મેદાનમાં મેચ
‘રો-કો’ને જોવા લોકો ઉમટી પડશે
- Advertisement -
આકાશમાં રંગબેરંગી પતંગો અને સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે
સયાજી હોટલમાં ઢોલ-નગારા અને પરંપરાગત ગરબા સાથે ટીમ ઈન્ડિયાનું સ્વાગત: આજે બંને ટીમ નેટ પ્રેક્ટિસ કરશે કાલે વન-ડે મુકાબલો જામશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર આ મેચ રમાવાની છે. ઉતરાયણના પર્વ સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય થતા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેદાન પર ઉતરવાના હોવાથી ચાહકોની ખુશીનો પાર નથી. મકરસંક્રાંતિના દિવસે એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે, તો બીજી તરફ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે. ક્રિકેટ રસિકો માટે આ એક યાદગાર સંયોગ બની રહેશે. આમ કાલે રાજકોટના આકાશમાં પતંગના પેચ લાગશે તો મેદાનમાં મેચ રમાશે જેમાં રનના ઢગલા થશે. હાલ આ વનડે મુકાબલાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14મી જાન્યુઆરીએ રમાનારી વનડે શ્રેણીના બીજા મુકાબલા માટે સોમવારે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ભારતીય ટીમ જ્યારે હોટલ સયાજી ખાતે પહોંચી ત્યારે તેમનું અત્યંત ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સયાજી હોટેલના પ્રવેશદ્વાર પર જ ઢોલ-નગારાના નાદ સાથે ખેલાડીઓને વધાવવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાસ-ગરબાના આયોજન સાથે ખેલાડીઓનું અભિવાદન કરાયું હતું. હોટેલ સ્ટાફ દ્વારા ખેલાડીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ન્યૂઝીલેન્ડની ટીમની મેદાન પર નેટ પ્રેક્ટિસ
વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને જોઈને હોટેલ પરિસરમાં હાજર ચાહકોએ ‘ઇન્ડિયા-ઇન્ડિયા’ ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. ખેલાડીઓએ પણ સ્મિત સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. જોકે આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે. અને બુધવારે ઉત્તરાયણનાં પર્વે વનડે મુકાબલો જામશે. વડોદરામાં મળેલી જીત બાદ ભારતીય ટીમ રાજકોટમાં પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખી શ્રેણી કબજે કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણીમાં વાપસી કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.
રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ પર સવારે ન્યૂઝીલેન્ડની ટીમ નેટ પ્રેક્ટીસ માટે પહોંચી હતી. જ્યાં કેપ્ટન માઈકલ બે્રસવેલ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મીચેલ, ગ્લેન ફિલિપ્સ, મીચેલ હે, ઝેકરી ફોલ્કસ, ક્રિસ્ટન ક્લાર્ક, કાઈલ જેમીસન ખેલાડીએ પરસેવો પાડ્યો હતો.



