કાર્યકરની અટકાયત અને સહ-પ્રભારીના રાજીનામાથી રાજકીય ગરમાવો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. રવિવારે રાત્રે શહેરના બાપા સીતારામ ચોક ખાતે આયોજિત ભવ્ય સભામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ હાજરી આપી હતી. આ સભા દ્વારા ’આપ’ એ મોરબીમાં સત્તા પરિવર્તનનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચારીઓની સભાઓ થતી હતી, પરંતુ હવે ઈમાનદાર પાર્ટી મેદાને છે. તેમણે દાવો કર્યો હતો કે વિસાવદરના ખેડૂતોએ જે રીતે નવો રાહ ચીંધ્યો છે, તેવી જ રીતે મોરબીમાં પણ પરિવર્તન આવશે. જનતાના આશીર્વાદ મળશે તો ’સપનાનું મોરબી’ બનાવવાનું વચન આપતા તેમણે ઉમેર્યું કે, પક્ષનો વિઝન ડોક્યુમેન્ટ (મેનિફેસ્ટો) યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે જેથી અન્ય પક્ષો તેની નકલ ન કરી શકે.
અઅઙના સહ પ્રભારીએ રાજીનામું આપ્યું
દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે એક કાર્યકરને સ્ટેજ પર રજૂઆત કરવા જતો અટકાવવામાં આવ્યો. આ બાબતે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા અને હોબાળો વધતા પોલીસે તાત્કાલિક દોડી આવી સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી તેમને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ ગઈ હતી. ચૂંટણી પ્રચારના પ્રારંભે જ પક્ષમાં આંતરિક વિખવાદ પણ સામે આવ્યો છે. ઘૂટું ગ્રામ પંચાયતના સહ-પ્રભારી તરીકે સેવા આપતા હિતુભા રાઠોડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષના જ આગેવાન પંકજ રાણસરીયા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, પક્ષમાં તેમને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી સક્રિય હોવા છતાં બે મહિનાથી તેમને દૂર કરવાના પ્રયાસો થતા હોવાથી તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું છે.



