પ્રસ્થાન:
હિંમત એટલે ડરની ગેરહાજરી નહિ પણ તેની પર વિજય મેળવવાની ક્ષમતા
– નેલ્સન મંડેલા
અત્યારે લાલો ફિલ્મના વાયરામાં બે વર્ષ પહેલા જેણે બહુ હાઈપ ઊભો કરેલો તે કસુંબો ફિલ્મ યાદ આવી. ઘણીવાર એવું બને કે હું લેક્ચર લેવા માટે જોરદાર તૈયારી કરીને ક્લાસમાં જાઉં, મને એમ હોય કે આ વખતે તો છોકરાઓને મોજ પડી જશે એવું સમજાવીશ, કોઈ એમ નહિ કહે કે ડાઉટ છે. પણ અપેક્ષા વિરૂદ્ધ વાસ્તવિકતામાં હંમેશની જેમ વાસ્તવિકતા જ જીતે. જે તોપિકની તૈયારી કર્યા પછી મને એમ લાગ્યું હોય કે આમાંતો વિદ્યાર્થીઓને ખૂબ જ જાણવા મળશે તેમાં થાય એવું કે ઉલટાના છોકરાઓ વધુ મૂંઝાઈ જાય. ઘણીવાર તો મગજ ફ્રી જાય એવા પ્રશ્નો પૂછે. ત્યારે થાય કે, આના કરતાં કોપીબુક સ્ટાઈલમાં ભણાવીને લખવા આપી દીધું હોત તો શું ખોટું હતું?! પછી હું એમ મન મનાવું કે હશે મે તો ટ્રાય બરોબર કરી ને. કાર્યનિષ્ઠા હતી એ બહુ મોટી ધરપત છે. આ જ વાત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બહુ લાગુ પડે છે. જે ફિલ્મનું ટ્રેલર જોઈને થોડીક આશા બંધાઈ હોય, નવા વિષય પર બનાવનારે હાથ અજમાવ્યો હોય તે જોવા જઈએ તો સાલ્લુ વનપ્લસનો વાયદો કરીને સસ્તો ચાઇનીઝ મોબાઈલ પધરાવી દીધો હોય એવી લાગણી થાય.
કહેવાની જરૂર નથી કે વાત અહી થાય છે કસૂંબોની. યાર, આવી રીતે તમે ગુજરાતી ઓડિયન્સને ખેંચી લાવશો! રિવ્યુઅરો જે રીતે મૂવી જોતાં હોય, પૈસા ખર્ચીને કે મફતમાં તેનાથી મને કોઈને કઈ લેવાદેવા ન હોય પણ કૈક તો ઈમાનદારી રાખો યાર! અમુક રિવ્યુમાં પાલીતાણા નો ઇતિહાસ લખીને મૂવી પર લખવાનું ટાળે છે તો અમુક સારો પ્રયત્ન છે વધાવવા જેવો એમ કહીને પ્રેક્ષકોને બનાવે છે. તમને મૂવી જેન્યુઇન્લી ગમે તો કહો કોણ ના પડે પણ સાવ આ રીતે તો બેઈમાની ન કરો. હોલીવુડના મૂવીમાં બાલની ખાલ ઉતારવાવાળા અહીં ધીમી ગતિ, ચીઝી સંવાદો, એકવિધ અભિનય જેવા પાસાઓને સાવ ગપચાવી ગયા છે.
સીનેમતોગ્રાફી સરસ, બીજીએમ અને ગીતો સૌથી સારા, પણ પણ પણ વિજયગીરી બાવા અને રામ મોરીને એટલું કહેવાનું કે તમે આવા ઐતિહાસિક અને ગૌરવશાળી વિષય પર મૂવી બનાવો છો તો તેમાં એ મુજબ ચોકસાઈ પણ રાખો ને. ફિલ્મનો વિષય શૌર્ય, બલિદાન પર હોય તો એમાં ધરાર બધા પાત્રો ઘડીધડી વીરતાપૂર્ણ વાતો જ કરે, નોર્મલ વાતો ન કરે? આવું તો બાહુબલી, 300 કે ગ્લેડીએટરમાંય નથી જોયું. હાસ્યાસ્પદ લાગે એવી વાત તો ખીલજીઓના ડાયલોગ છે. નહિ ગુજરાતી કે નહિ ફારસી એવા સંવાદો! ઘણીવાર તો અડધી લાઈન ફારસીમાં અને છેલ્લે ગુજરાતી શબ્દો જબરન ઠપકારી દીધા. એલા આના કરતાં તો આખો સંવાદ ગુજરાતીમાં જ રાખ્યો હોત કે વાર્તામાં ઇમ્પ્રોવાઈઝ કરીને કોઈ દુભાષિયાનું પાત્ર મૂક્યું હોત. અભિનય એકંદરે ઠીક છે એક દર્શન પંડ્યા કે જેમણે ખીલજીનું પાત્ર ભજવ્યું છે તેમને બાદ કરતા કઈ ખાસ નથી. દર્શનભાઈ છવાઈ ગયા છે આ કિરદારમાં, ગજબ ઓરા ક્રીએટ કર્યો છે.
બે કલાક ઝોલા આવવા છતાં કલાઈમેક્સમાં ઘણી ફાઇટ હશે એમ માનીને ખેંચ્યું પણ મુજ બાપડાને શું ખબર કે આ કલાઈમેક્સ નહિ એન્ટી કલાઇમેક્સ છે. સાવ ઇલ્લોજીકલ! ગાલિબની માફી સાથે કહું તો ખબર થી ગર્મ કે ખીલજી કે ઉડેંગે પૂર્જે, દેખને હમ ભી ગયે પર તમાશા ન હુઆ. આ ફિલ્મ અમર બલિદાન નોવેલ પરથી બની છે અને એ નોવેલ મે વાંચી નથી કે નથી મને આખી ઘટના વિશે ખબર પણ જો નોવેલમાં આ જ ઘટનાક્રમ હોય અને હકીકતમાં પણ એમ જ થયું હોય તો મને કલાઈમેકસમાં શૌર્ય કરતાં મૂર્ખતા વધુ લાગી. એ પણ કેવી વક્રતા છે કે ઐતિહાસિક વીરત્વ પર આધારિત ફિલ્મમાં ઢંગનો ફાઇટ સીન ગણીને ખાલી એક!
ગુજરાતીઓ એનિમલ ફિલ્મના પેલા સંવાદની જેમ ખાલી મેદાનમાં તલવાર ફેરવવા માટે ભલે ખોટી રીતે જ પણ પ્રખ્યાત છે. આ મૂવી પણ એમ જ છે. આખી ફિલ્મમાં વીરતાની વાતો, જુસ્સો ચડાવતા સંવાદો અને અંતમાં દુશ્મનોમાં હાહાકાર મચાવવા ને બદલે હારાકિરી! અંતમાં ખિલજીએ એની મા પણ ન માને એટલો દયાળુ ચીતરી દીધો, સાવ આવું!
હવે વધુ નથી લખવું પણ છે વાત એમ કે મને મારી ત્રણ કલાક બગડી તેનો ગુસ્સો વધુ આવ્યો. ગુજરાતી નિર્માતા, નિર્દેશકો અને લેખકોને કહેવાનું કે આપણી પાસે એટલી વ્યુઆર્શિપ નથી કે સાઉથ કે બોલીવુડ જેવા બજેટમાં ફિલ્મ બનાવી શકી ત્યારે નિર્દેશન, લેખન અને અભિનય જેવા પાસાઓમાં સાચો કસબ બતાવવાનો હોય. તમારી પાસેથી વધુ સારી અપેક્ષાઓ હતી પણ ખૈર….જવા દો.
- Advertisement -
પૂર્ણાહુતિ:
ડર એ પ્રતિક્રિયા છે પણ
બહાદુરી એ નિર્ણય છે
– વિન્સ્ટન ચર્ચિલ



