ખાસ-ખબર ન્યૂઝ મોરબી
આદિવાસી સમાજના લોકો ખેતી અને ઉદ્યોગમાં રોજગારી અર્થે મોરબી આવીને વસ્યા છે જેનું સંગઠન મોરબી જીલ્લા આદિવાસી સમાજ દ્વારા વિવિધ 12 માંગણીઓ સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું
મોરબી જીલ્લા આદિવાસી સમાજ દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે પાકની નુકશાની થઇ હોવાથી ભાગિયા કામદારો તરીકે કામ કરીએ છીએ જેથી કામદારોને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે. મોરબી જીલ્લાની વસ્તી બરોબર આદિવાસી સમાજ સમગ્ર મોરબી જીલ્લામાં છે જેથી મહાન ક્રાંતિકારી ભગવાન બીરસાનું સ્ટેચ્યુ જાહેર માર્ગ પર મુકવામાં આવે. તૈયાર થયેલા પાકનો ભાવ વધારો થાય એ મુજબ સરકાર સાથે ચર્ચા કરી પાકનો ભાવ વધારો કરાવવો.
જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતરોના ભાવમાં ઘટાડો થાય, જીલ્લામાં લાખોની સંખ્યામાં કામદારો કામ કરે છે જેથી કામદારોના બાળકોના ભવિષ્ય માટે એક એકલવ્ય સ્કૂલ અને હોસ્ટેલ બનાવવામાં આવે.
બહારથી આવતા કામદારોનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવી નવા લેબર એક્ટ મુજબ માલિકો અને કામદારોનો લેખિત કરાર ફરજીયાત થાય તે માટે વ્યવસ્થા કરવી. કારખાનામાં કે ખેતીમાં અપૂરતી સુવિધાને કારણે સેકડો કામદારોના મૃત્યુ થાય છે જેથી સેફટી સાધનોનો અમલ ફરજીયાત બનાવવો. કામના સમયમાં માલિકોની બેદરકારીને કારણે કામદારોના મોતમાં માત્ર અકસ્માત નોંધ કરવામાં આવે છે જેમાં કલમ 304 મુજબ સાપરાધ માનવવધનો ગુનો દાખલ થાય તેવી વ્યવસ્થા કરવી. કામનો સમય 8 કલાકનો ફરજીયાત કરવો, લઘુતમ વેતન મુજબ આયોજન કરવું, સીમ વિસ્તારના કામદારોને ત્યાં માલિકો દ્વારા ટોઇલેટની સુવિધા આપવામાં આવે અને સીલીકોસીસ જેવી બીમારીમાં દર્દીને કંપની તરફથી આર્થિક વળતર કે વીમો આપવામાં આવે તેવી માંગ કરી છે.



