દેશભરમાં બુરખા, ટોપી, હેલ્મેટની આડમાં થતી ચોરી અને લૂંટના કારણે નિર્ણય
ગ્રાહકના સ્વાંગમાં આવતી લૂંટારુ અને ઠગ ગૅન્ગનો ત્રાસ ખાળવા સોની બજાર વેપારી એસોસિએશનનો આવકાર્ય નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પ્રખ્યાત સોની બજારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોની બજારમાં હવે કોઈ પણ વ્યક્તિ માસ્ક, ટોપી, બુરખા કે મોઢું ઢંકાય તેવા કપડાં પહેરીને પ્રવેશ કરી શકશે નહીં.
આ અંગે સોની બજારના વેપારીઓનું કહેવું છે કે દરેક જ્વેલર્સને પોતાનો સ્વતંત્ર અધિકાર હોય છે કે કોને દુકાનમાં પ્રવેશ આપવો. ગ્રાહકના સ્વાંગમાં આવતા લોકોની ઓળખ થવી અત્યંત જરૂરી છે, કારણ કે દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોવા છતાં મોઢું ઢંકાયેલું હોય તો ઓળખ મેળવવી મુશ્કેલ બની જાય છે. જો આવા લોકો દ્વારા ચોરી કે લૂંટ કરવામાં આવે તો તે માત્ર જ્વેલર્સ માટે નહીં પરંતુ પોલીસ માટે પણ મોટું જોખમ બની જાય છે, કારણ કે આરોપીની ઓળખ મેળવવી મુશ્કેલ બને છે.
આજકાલ વધતા જતા ગુનાઓ અને સોની-ચાંદીના કિસ્સાઓને ધ્યાનના રાખી સોની બજાર તેમજ ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા કોઈ પણ વ્યક્તિ માસ્ક, ટોપી, બુરખા કે મોઢું ઢંકાય તેવા કપડાં પહેરીને પ્રવેશ કરી શકશે નહીં તેવા નિયમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદેશ્ય સીસીટીવી (ઈઈઝટ) કેમેરામાં દરેક વ્યક્તિની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકે તેવો છે. અવારનવાર બનતી ચોરી અને લૂંટફાટની ઘટનાઓને રોકવા માટે આ પગલું લેવાયું છે.
કોઈ મોઢું ઢાંકી, બુરખો, માસ્ક કે રૂમાલ ઓઢીને આવે તો જોખમ વધી જાય: પ્રમુખ ભાયાભાઈ સહોલિયા
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સહોલિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સોની બજાર અને સોની કામ હવે જોખમી ધંધો બની ગયો છે આ સમયે દેશભરમાં સુરક્ષાના કારણોસર આ પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેનું રાજકોટના વેપારીઓ સંપૂર્ણ સ્વાગત કરે છે. સોની બજારમાં આવતા ગ્રાહકોએ હવે પોતાની ઓળખ છુપાય તેવા સાધનોનો ત્યાગ કરીને જ દુકાનોમાં પ્રવેશ મેળવવાનો રહેશે. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવતા લોકો જો મોઢું ઢંકીને, બુરખો, માસ્ક કે રૂમાલ ઓઢીને આવે તો જોખમ વધી જાય છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અગાઉ અનેક ઘટનાઓ બની છે, જ્યાં લંટારુઓ લૂંટ દરમિયાન હત્યા સુધી પહોંચી જાય છે. જોકે હવે આ નવા નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ આવશે અને વેપારીઓ તેમજ ગ્રાહકો બંને સુરક્ષિત અનુભવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.



