રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, એક નવા ‘કંટ્રોલ્ડ ફ્રેમવર્ક’ હેઠળ ભારત વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી શકશે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયંત્રણ હેઠળ રહેશે.
અમેરિકાની દેખરેખ હેઠળ થશે ‘ઓઈલ ટ્રેડ’
- Advertisement -
અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઈટે વેનેઝુએલાના ઓઈલ ટ્રેડ અંગેની નવી નીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, વેનેઝુએલાનું ઓઈલ હવે ફરીથી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયમો અને દેખરેખ હેઠળ રહેશે. આ નવી વ્યવસ્થા મુજબ, ઓઈલના વેચાણથી પ્રાપ્ત થતી તમામ આવક અમેરિકા નિયંત્રણમાં રહેશે, જેથી નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ અંકુશ રાખી શકાય.’
અમેરિકાના ઊર્જા મંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘આ ભંડોળનો મુખ્ય હેતુ વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર અટકાવવાનો છે, અમેરિકા સુનિશ્ચિત કરશે કે આ પૈસા ત્યાંની સરકારને બદલે સીધા સામાન્ય જનતાના કલ્યાણ અને પાયાની જરૂરિયાતો માટે વાપરવામાં આવે. આ ફ્રેમવર્કનું પાલન કરાવવા માટે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ જહાજ આ નિર્ધારિત નિયમોની બહાર જઈને ઓઈલનું પરિવહન કરશે, તો તેની સામે જપ્તી અને લશ્કરી કાર્યવાહી જેવા આકરાં પગલાં લેવામાં આવશે.’
રશિયા અને ગલ્ફ દેશો પર ભારતની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે
- Advertisement -
ભારત અને વેનેઝુએલા વચ્ચે ઓઈલ ટ્રેડનું પુનઃસ્થાપન ભારતની ઊર્જા સુરક્ષા માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થશે. સૌ પ્રથમ, ભારતની ઘણી અદ્યતન રિફાઇનરીઓ વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઈલને શુદ્ધ કરવા માટે ખાસ ટેકનોલોજીથી સજ્જ છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે. બીજું, વેનેઝુએલા પાસેથી ઓઈલની આયાત થવાથી રશિયા અને ગલ્ફ દેશો પરની ભારતની નિર્ભરતા ઘટશે, જેનાથી ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા આવશે અને ભારતને આર્થિક રીતે સસ્તો તેમજ મજબૂત વિકલ્પ મળશે.
ભારત દુનિયામાં ઓઈલનો વપરાશ કરતો સૌથી ઝડપથી વિકસતો દેશ છે, જેનો અર્થ છે કે આપણી પેટ્રોલ-ડીઝલની જરૂરિયાત સતત વધી રહી છે. બીજી તરફ, વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઈલનો ભંડાર છે. જો ભારત વેનેઝુએલા પાસેથી ફરી તેલ ખરીદવાનું શરૂ કરે, તો લાંબા સમય સુધી આપણી ઊર્જાની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે તેમ છે. આ ભાગીદારીથી ભારતને તેની જરૂરિયાતનું ઓઈલ તો મળશે જ, સાથે સાથે કોઈ એક જ દેશ પર નિર્ભર પણ રહેવું નહીં પડે, જે આપણી સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.
3થી 5 કરોડ બેરલ ઓઈલના વેચાણની તૈયારી
અમેરિકા હાલમાં વેનેઝુએલામાં સ્ટોરેજમાં રહેલા 30 મિલિયનથી 50 મિલિયન બેરલ ઓઈલને બજારમાં લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જ ઉત્પાદન વધારવા માટે જરૂરી સ્પેરપાર્ટ્સ અને સાધનોની આયાતની પણ મંજૂરી આપવામાં આવશે.




