ગેરકાયદે દબાણ દૂર કરવા પશુપાલકોની ઉગ્ર માંગ, કલેકટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
- Advertisement -
મૂળી તાલુકાના સરા ગામે ગૌચરની જમીનમાં સ્થાનિકો દ્વારા કરાયેલા દબાણને લઈને પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. સરા ગામે અંદાજે 1500 વીઘા જેટલી ગૌચર જમીન હોવા છતાં તેમાં વ્યાપક દબાણ થતા માલધારીઓને પશુ નિભાવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મૂળી તાલુકાના મોટાભાગના ગામોમાં ગૌચરની જમીનમાં દબાણ જોવા મળે છે, પરંતુ સરપંચો સહ શરમ રાખી કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો છે. આ સ્થિતિ સામે અવાજ ઉઠાવતા સરા ગામના સ્થાનિક પશુપાલકો દ્વારા સોમવારે મૂળી તાલુકા મામલતદાર કચેરી તેમજ નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગૌચરની જમીન પરથી તાત્કાલિક દબાણ દૂર કરવા તેમજ ગૌચરની હદ નક્કી કરી કાયમી નિશાન કરાવવાની માંગ કરવામાં આવી છે. પશુપાલકોની આ રજૂઆતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. આ અંગે કનુભાઈ કરપડા, પાંચાભાઈ, મહેશભાઈ, ધોધાભાઈ અને ભીમાભાઈએ જણાવ્યું હતું કે સરા ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરવા અને તેની હદ નક્કી કરી નિશાન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. હાલ ગૌચરમાં થયેલા દબાણના કારણે માલધારીઓને પશુઓ માટે ચારો અને ખુલ્લી જગ્યા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.



