પોરબંદર-દ્વારકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ: ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક, એટલે કે એક વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો.
આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
ઉત્તર ભારતથી પસાર થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (ઠઉ)ની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડી શકે છે.
- Advertisement -
2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે
વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.



