પીક અવર દરમિયાન હાઈવેના વાહનોને અટકાવી શહેરના ટ્રાફિકને અપાઈ પ્રાથમિકતા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
- Advertisement -
મોરબી શહેરમાં ચાલી રહેલા રોડના કામોને કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને ઉકેલવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને બાયપાસ પર વાહનોની અંધાધૂંધી રોકવા માટે પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એક ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પ્રથમ દિવસે જ વાહનચાલકોને મોટી રાહત મળી છે. ટ્રાફિક પી.આઈ. હંસાબેન ઘેલા અને તેમની ટીમ દ્વારા સવારે 8:00 થી 10:30 વાગ્યાના પીક અવર દરમિયાન રાજકોટથી કંડલા અને કંડલાથી રાજકોટ તરફ જતા ભારે વાહનોને શહેરની સરહદ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન શહેરમાંથી બહાર નીકળતા સ્થાનિક વાહનોને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેથી દલવાડી સર્કલ અને શનાળા બાયપાસ પર ટ્રાફિક હળવો થયો હતો. ગાંધી ચોક અને સ્ટેશન રોડ પર કામ ચાલતું હોવાથી લોકો બાયપાસનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી જામની સ્થિતિ વધુ વણસી હતી. પોલીસના આ નવા પ્રયોગને મળેલી સફળતાને જોતા, આગામી દિવસોમાં આ વ્યવસ્થાને કાયમી ધોરણે લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઓફિસ અને કામે જતા નાગરિકોનો કિંમતી સમય બચશે અને અકસ્માતનું જોખમ ઘટશે.
ટ્રાફિક નિયમન માટે બહુરૂપીયાનો અનોખો અંદાજ: આદિવાસી વેશમાં કરી અપીલ
શહેરના ભરચક ગણાતા તખ્તસિંહજી રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એક બહુરૂપીયાએ અનોખો રસ્તો અપનાવ્યો છે. સોમવારે બપોરે જ્યારે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે આદિવાસીના વેશમાં સજ્જ એક કલાકારે હાથમાં તીર-કામઠું લઈ વાહનચાલકોને લાઈનમાં ચાલવા અને નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મોરબીમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને અનિયમિત પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક છે. ત્યારે આ બહુરૂપીયા દ્વારા કરાયેલી ગાંધીગીરી અને સમજાવટની રીત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે જોવું રહ્યું કે વાહનચાલકો આ અપીલને કેટલી ગંભીરતાથી લઈ નિયમોનું પાલન કરે છે.



