ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
શહેરના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025 ના ફિનાલેનો ભવ્ય પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ શક્તિના પ્રતીક સમાન ગદા પ્રદર્શિત કરી આ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. મંત્રીએ પોતે મેદાનમાં જઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેલો ઈન્ડિયા અને સાંસદ ખેલ મહોત્સવ જેવા પ્રકલ્પો દ્વારા દેશમાં રમત સંસ્કૃતિનું પુન: જાગરણ થયું છે. ડિજિટલ યુગમાં મોબાઈલથી દૂર રહી શારીરિક અને માનસિક ફિટનેસ માટે રમતો અનિવાર્ય છે. રમત ગમતથી સમાનતા અને ખેલદિલીના ગુણો ખીલે છે. આ મહોત્સવમાં 12 થી 82 વર્ષના 30,000થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી ફિનાલેમાં 1800 જેટલા ખેલાડીઓ કબડ્ડી, ખો-ખો, કુસ્તી અને યોગા જેવી રમતોમાં કૌશલ્ય બતાવશે. આ કાર્યક્રમમાં કોમનવેલ્થ સિલ્વર મેડલિસ્ટ પ્રિયંકાબેન ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી વાજા શાહનવાજનું બહુમાન પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ વિધાનસભાના વિજેતા ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી અને મણિયારા રાસની પ્રસ્તુતિએ આકર્ષણ જમાવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના અનેક મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ ગદા પ્રદર્શન કરી ‘સાંસદ ખેલ મહોત્સવ’ના ફિનાલેને ખુલ્લો મૂક્યો



