રશિયન ઓઈલ પરની પેનલ્ટી હટાવવા ભારતની કડક શરત: જાન્યુઆરીમાં ટ્રમ્પ સરકાર સાથે થઈ શકે છે ઐતિહાસિક સમજૂતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
ભારતે અમેરિકા સમક્ષ ટ્રેડ વાટાઘાટોમાં પોતાનો અંતિમ પ્રસ્તાવ મૂક્યો છે. ભારત ઈચ્છે છે કે તેના પર લાદવામાં આવેલી કુલ 50% ટેરિફ ઘટાડીને 15% કરવામાં આવે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર જે વધારાની 25% પેનલ્ટી લાદવામાં આવી છે, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી આ વાટાઘાટોથી આશા છે કે નવા વર્ષમાં કોઈ નક્કર નિર્ણય આવી શકે છે.
બંને દેશો વચ્ચે એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (ઇઝઅ) પર વાતચીત ચાલી રહી છે, પરંતુ અધિકારીઓનું માનવું છે કે તેને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવું મુશ્ર્કેલ છે. હવે જાન્યુઆરીમાં આશા છે, જ્યારે નવા વેપારના આંકડા આવશે અને વાતચીતમાં વેગ આવી શકે છે.
આ અઠવાડિયે ભારત અને અમેરિકાની વેપાર ટીમો વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ. વાતચીત બે મુદ્દાઓ પર થઈ રહી છે. પહેલો એક મોટા અને કાયમી વેપાર કરાર પર અને બીજો અમેરિકા તરફથી ભારત પર લાદવામાં આવેલી 50% ટેરિફને હટાવવા અથવા ઘટાડવા માટેના એક ફ્રેમવર્ક કરાર પર. અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે. તેમાંથી 25% ને તે ’રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફ’ કહે છે. જ્યારે 25% રશિયન ઓઈલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આનાથી રશિયાને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળી રહી છે. ભારતનું કહેવું છે કે આ દંડ ખોટો છે અને તેને તાત્કાલિક હટાવવો જોઈએ.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ફ્રેમવર્ક કરાર અંગે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેના પર જલ્દીથી સહમતિ બની શકે છે, જોકે તેમણે કોઈ નિશ્ર્ચિત સમયમર્યાદા જણાવી નથી.
વાટાઘાટો સાથે સંકળાયેલા લોકોના મતે, 2025માં આ કરાર પૂર્ણ થવાની શક્યતા હવે ઓછી થતી જાય છે, કારણ કે વર્ષ પૂરું થવામાં બહુ ઓછો સમય બાકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રેમવર્ક કરાર પરની વાટાઘાટો દિવાળી આસપાસ પૂરી થઈ ગઈ હતી, પરંતુ હવે અમેરિકા, ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. વિલંબના કારણ અંગે અધિકારીઓ સીધા વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિના નિર્ણય તરફ ઇશારો કરી રહ્યા છે.
આશાનું એક કારણ એ પણ છે કે જાન્યુઆરીમાં આવનારા આંકડાઓમાં ભારતના રશિયન ઓઈલ આયાતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. 21 નવેમ્બરથી રશિયાની બે મોટી ઓઈલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકી પ્રતિબંધો લાગુ થયા છે. આ પછી ભારતનું રશિયાથી ઓઈલ આયાત ઘટવા લાગ્યું છે.
ભારતનું રશિયન તેલ આયાત નવેમ્બરમાં લગભગ 17.7 લાખ બેરલ પ્રતિ દિવસ હતું, જે ડિસેમ્બરમાં ઘટીને લગભગ 12 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગયું છે. આવનારા સમયમાં તે દરરોજ 10 લાખ બેરલથી પણ નીચે જઈ શકે છે. યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયાનો સૌથી મોટો ઓઈલ ખરીદનાર બની ગયો હતો, જેના પર ટ્રમ્પ પ્રશાસને ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે.
અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદીને અપ્રત્યક્ષ રીતે યુક્રેન પર થઈ રહેલા હુમલાઓને ફંડ કરી રહ્યું છે.



