પૂરપાટ ઝડપે આવતી ટ્રક ડિવાઇડર તોડીને બસ સાથે અથડાઈ, ખૌફનાક દ્રશ્યો સર્જાયાં
બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડીરાત્રે સ્લીપર બસમાં ટક્કર થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે, જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 12 અને 17 પણ બતાવવામાં આવી રહ્યો છે. આ અકસ્માત ગઇં-48 પર હિરિયુર તાલુકા પાસે થયો હતો. બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. પીએમ મોદીએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ મૃતકોનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પોલીસનું કહેવું છે કે મોટા ભાગના મુસાફરોએ ટિકિટ ઓનલાઇન બુક કરી હતી, જેના કારણે પોલીસને તેમના ફોન નંબર મળી ગયા છે. તેમના પરિવારો સાથે સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બળી ગયેલા મૃતદેહોની ઓળખ માટે ઉગઅ ટેસ્ટ કરાવવામાં આવશે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે રાત્રે 2:30 વાગ્યે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલી ખાનગી કંપની ‘સીબર્ડ ટ્રાન્સપોર્ટ’ની બસને ટક્કર મારી હતી. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. એ સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી શકી નહોતી. ઈસ્ટ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રવિકાંત ગૌડાએ જણાવ્યું હતું કે બસના ડ્રાઈવર અને ક્લીનર બચી ગયા છે. મૃતકોમાં ટ્રકનો ડ્રાઈવર અને તેનો ક્લીનર સામેલ છે. ઘણા મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘાયલ મુસાફરોને તુમકુરુ જિલ્લાના શિરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે મુસાફરની હાલત ગંભીર છે.



