જૂનાગઢમાં એક પછી એક કરોડોના સાઇબર ફ્રોડ, વધુ એક પર્દાફાશ
સાઇબર ફ્રૉડ આરોપી અશ્ર્વિનભાઈ સુખાનંદીને ઝડપી ઊંડી તપાસ શરુ
- Advertisement -
મોબાઈલ ડેટા અને બેંક સ્ટેટમેન્ટના આધારે અન્ય શખ્સોની તપાસ તેજ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
વર્તમાન સમયમાં ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જૂનાગઢ શહેરના ’સી’ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા અને વિડ્રો કરવા માટે કરી, કુલ રૂ. 1,29,66,103.01 સગેવગે કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ મામલે આરોપી પોલીસે અશ્ર્વિનભાઈ તુલસીદાસ સુખાનંદીને ઝડપી પાડવામાં એવો છે. અને તેના વિરુદ્ધ દાખલ ઉંડી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢના ’સી’ ડિવિઝન પોલીસ મથકમાં આઈ.પી.સી. (હાલમાં અમલી ભારતીય ન્યાય સંહિતા – ઇગજ) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે આરોપી અશ્વિનભાઈ તુલસીદાસ સુખાનંદી (રહે. એમ.પી. રેસીડન્સી, બ્લોક નં. 1, સીતારામ મધુરમ, જૂનાગઢ)ના નામે ઈન્ડુસન્ડ બેંક, જૂનાગઢમાં એક એકાઉન્ટ ધરાવે છે. આ બેંક એકાઉન્ટ નંબર 257600557600માં ગત તા. 25/07/2024 થી તા. 23/12/2025 ના સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અશ્ર્વિનભાઈએ પોતાના આ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં જમા થઈ રહ્યા છે તેની પૂરેપૂરી જાણકારી હોવા છતાં, ગુનાહિત માનસ ધરાવતા અન્ય સાગરિતો સાથે મળીને આ નાણાંનો અંગત આર્થિક ફાયદા માટે ઉપયોગ કર્યો હતો. કુલ મળીને 1 કરોડ 29 લાખ 66 હજાર 103 રૂપિયા અને 1 પૈસા જેટલી માતબર રકમને અલગ-અલગ માધ્યમોથી વિડ્રો કરી અથવા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખી હતી. આરોપીનો મુખ્ય ઈરાદો સાયબર ફ્રોડથી મેળવેલા કાળા નાણાંને સગલા-વગલા કરી તેને સિસ્ટમમાં ઘુસાડવાનો અથવા તો તેને રોકડમાં પરિવર્તિત કરવાનો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ ’સી’ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી અશ્વિનભાઈ તુલસીદાસ સુખાનંદી તથા તપાસમાં જે જે શખ્સોની સંડોવણી ખુલે તે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 317(2) (છેતરપિંડી), 317(4), 3(5) (સમાન ઈરાદો) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(ડી) (કોમ્પ્યુટર સાધનો દ્વારા ઓળખની ચોરી અથવા છેતરપિંડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ ’સી’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ માત્ર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ચોરી નથી, પરંતુ તેની પાછળ કોઈ મોટું સાયબર ફ્રોડ નેટવર્ક કામ કરી રહ્યું હોઈ શકે છે. છેતરપિંડીના નાણાં કઈ રીતે મેળવવામાં આવ્યા હતા? કયા ભોગ બનનારના નાણાં આ એકાઉન્ટમાં આવ્યા હતા? અને આ નાણાં કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે? તે તમામ દિશામાં પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. આરોપીના મોબાઈલ ડેટા અને બેંક સ્ટેટમેન્ટના આધારે તેના સાથીદારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસમાં જે અન્ય ઇસમોના નામ બહાર આવશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી સાયબર માફિયાઓ અને ફ્રોડના નાણાં સગેવગે કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- Advertisement -
નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ અજાણ્યા વ્યક્તિઓને કરવા દે છે અથવા કમિશનની લાલચમાં આવા ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં મદદગાર બને છે. બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો કરવા એ ગંભીર ગુનો છે અને તેમાં જે-તે એકાઉન્ટ ધારકની જવાબદારી પણ એટલી જ નક્કી થાય છે.



