જામનગર – વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં હાપા અને ધ્રોલ વચ્ચે વહેલી સવારે બનેલો બનાવ
પિસ્તોલ સમજી શખ્સ લાઇટર લઇ ગયો : લૂંટાયેલા મોબાઈલ આધારે એસઓજી-એલસીબીએ આરોપીને ઝડપી લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં વહેલી સવારે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે નિવૃત્ત પી.આઇ. પર ફાયર સિલિન્ડરથી હુમલો કરી મોબાઈલ, રોકડ ઝુટવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા 77 વર્ષીય વૃદ્ધ હાઇકોર્ટમાં મુદતમાં જતા હતા ત્યારે હાપા અને ધ્રોલ વચ્ચે વહેલી સવારે પોણા છથી સવા છ વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી નિવૃત પીઆઇને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે બનાવની જાણ થતા રેલવે એલસીબી અને એસઓજી સહિતનો કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મોબાઈલ બાબતે ઝઘડો થતા આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે બનાવની ગંભીરતા પારખી પોલીસે તુરંત જુદી જુદી ટિમો દોડાવી રાજકોટની ભાગોળેથી એક આરોપીને ઝડપી લઇ વિશેષ પૂછતાછ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા ઉ.77 સવારે જામનગરથી રાજકોટ તરફ ટ્રેનમાં આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી ફાયરના બાટલા વડે માર મારતા ગંભીર ઈજા થતા અર્ધ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા રાજકોટ ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ કરાઈ હતી ધર્મેન્દ્રસિંહ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા હતા.
18 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા હતા પછી પરિવાર સાથે જામનગર સ્થાયી થયા હતા ફરજ દરમ્યાનના એક કેસમાં હાઇકોર્ટ ખાતે તારીખ હતી. જે તારીખ ભરવા તેઓ અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટ જતા હતા સવારે આશરે 4 વાગ્યાં આસપાસ જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી જામનગર – વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં બેઠા હતા અને અમદાવાદ જવા નીકળ્યા હતા.
આ દરમ્યાન હાપા અને ધ્રોલ વચ્ચે બુકાનીધારી શખ્સ મોઢે રૂમાલ બાંધીને આવ્યો હતો પરપ્રાંતિય જેવા લાગતા અને હિન્દીમાં બોલતા શખ્સે મોબાઈલ બાબતે ધર્મેન્દ્રસિંહ સાથે ઝઘડો કરવાનું ચાલુ કર્યું હતું તે શખ્સ મોબાઈલ ઝુટવા લાગ્યો હતો અને પ્રતિકાર કરતા ધર્મેન્દ્રસિંહે બચાવ કર્યો હતો અને ધર્મેન્દ્રસિંહ પાસે રહેલ રિવોલ્વર પણ ઝુટવી લઇ માર માર્યો હતો અને બે મોબાઈલ ઝુટવી લીધા હતા તેમજ ટ્રેનમાં રહેલ આગ બુજવવાના ફાયર એક્સટિંગ્વિશર વડે ધર્મેન્દ્રસિંહ ઉપર હુમલો કર્યો હતો જેથી ગંભીર ઇજા પહોંચતા ધર્મેન્દ્રસિંહ અર્ધ બેભાન જેવા થઈ ગયા હતા રાજકોટ રેલવે સ્ટેશન આવતા ટ્રેનના અન્ય કોઈ મુસાફરે રેલવે પોલીસમાં જાણ કરી હતી જેથી ધર્મેન્દ્રસિંહને રેલવે પોલીસ સ્ટાફે તત્કાલ એમ્બયુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા અને તેમના પરિવારજનોને જાણ કરાઈ હતી. જેથી પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ધર્મેન્દ્રસિંહ 2 ભાઈ અને 4 બહેનમાં વચેટ છે.
બનાવની જાણ થતા એસઓજી પીઆઇ એચ.એમ.રાણા, પીએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, એલસીબી પીએસઆઈ જયુભા પરમાર સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં રિવોલ્વર સમજીને જે શખ્સ લૂંટી ગયો છે તે રિવોલ્વર નહિ પરંતુ લાઇટર હોવાનું જાણવા મળ્યું છે નિવૃત્તિ બાદ ધર્મેન્દ્રસિંહે પોતાનું હથિયાર જમા કરાવી દીધું હતું અને શોખ ખાતર રિવોલ્વર જેવું લાઇટર સાથે રાખતા હતા ગુજરાત પોલીસની રેલવે પોલીસની ટીમ, આરપીએફની ટીમ, રેલવે ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટિમો દોડાવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી નિશાંતસિંહ ગુલઝારસિંહને ઝડપી લીધો હતો આરોપી નિવૃત પીઆઈનો મોબાઈલ ફોન લૂંટી ગયો હોય તે લોકેશનના આધારે પોલીસે રાજકોટની ભાગોળેથી આરોપીને દબોચી લઇ વિશેષ પૂછતાછ હાથ ધરી છે.
સિવિલના સ્ટાફની નાદારી : વૃદ્ધની 4 કલાક સારવાર જ ન કરી
ગંભીર રીતે ઘવાયેલા નિવૃત પીઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાને સિવિલ હોસ્પિટલે સવારે સાતેક વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના દોડી ગયા હતા આટલી ગંભીર ઘટનામાં પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફે નાદારી દર્શાવી હતી અને 11 વાગ્યા સુધી ગંભીર વૃદ્ધની સારવાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી ડીડી લેવા આવેલા અધિકારીએ પણ સિવિલ હોસ્પિટલના તબીબોની આ ગંભીર બેદરકારી અંગે કલેક્ટરને રિપોર્ટ કરવા જણાવ્યું હતું.



