ગાય આધારીત પદયાત્રા પ્રાકૃતિક કૃષિનો નવો ઈતિહાસ રચશે
ઝેરમુક્ત ભારતનો મહાસંકલ્પ : ગાય ગામડું અને ખેતી યાત્રાનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન
- Advertisement -
14 દિવસ ચાલનાર યાત્રાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે
210 કિલોમીટરનું અંતર કાપી 3 જિલ્લા અને 6 તાલુકાના 65 ગામોમાં પરિભ્રમણ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રીગીર ગૌ જતન સંસ્થાન પરિવાર તેમજ જાણીતા ગૌ સેવક રમેશભાઈ રૂપારેલિયા દ્વારા આયોજિત ઝેરમુક્ત ભારત પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ગાય ગામડું અને ખેતી યાત્રાનું એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પદયાત્રાનો મંગલ પ્રારંભ ગુજરાતના રાજ્યપાલ આચર્ય દેવવ્રતજીના હસ્તે તારીખ 25 ડિસેમ્બર 2025, ગુરુવારના રોજ ગોંડલ સ્થિત રમેશભાઈ રૂપારેલિયાની વાડીએથી કરવામાં આવશે. આ યાત્રા સતત 14 દિવસ સુધી 210 કિલોમીટરનું અંતર કાપી 3 જિલ્લા અને 6 તાલુકાના 65 ગામોમાં પરિભ્રમણ કરી તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે. યાત્રાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન માટે વિવિધ નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્વાગત સમિતિ, ભોજન સમિતિ, આવાસ સમિતિ, મેડિકલ સમિતિ અને પ્રચાર પ્રસાર સમિતિ જેવી અલગ અલગ ટીમો 24 કલાક કાર્યરત રહેશે. આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ રમેશભાઈ રૂપારેલિયાના જીવનના સંઘર્ષ, ગૌ સેવા પ્રત્યેનું સમર્પણ અને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રહેશે. આ ડોક્યુમેન્ટ્રી યાત્રા સાથે રહેલી વિશાળ એલઈડી સ્ક્રીન પર ગામેગામ પ્રસારિત કરવામાં આવશે, જેના દ્વારા લાખો ખેડૂતો અને યુવાનોને ઝેરમુક્ત ખેતી કરવા માટે પ્રેરણા મળશે. ભારતસિંહ રાજપુરોહિતની ટીમ દ્વારા સમગ્ર યાત્રાનું ડિજિટલ પ્રસારણ કરાશે જેથી આ સંદેશ વૈશ્વિક સ્તરે પહોંચી શકે તેમ રમેશભાઈ રૂપારેલિયા, મહિપાલસિંહ ઠાકુર, દીપક બાબરીયા, પ્રકાશભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
ખેડૂતો અને ગૌપાલકો માટે વિશેષ પ્રોત્સાહન
રમેશભાઈના માર્ગદર્શન હેઠળ 65 ગામોમાંથી પ્રત્યેક ગામમાંથી એક પ્રગતિશીલ ખેડૂતને દત્તક લઈ તેમને પાંચ વીઘામાં મોડેલ પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવામાં આવશે. ભારતની પ્રથમ ગૌમૂત્ર ડેરીના માધ્યમથી ગૌપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવાનો સંકલ્પ લેવાયો છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે 21,000 ની કિંમતની એડવાન્સ જીવામૃત બેગ પર 50 ટકા રાહત એટલે કે માત્ર 10,500 માં આપવામાં આવશે. રાત્રિ રોકાણના ગામોમાં ઉત્તમ ઓલાદના ગીર રુદ્ર નંદી નસલના વાછરડા ભેટ આપીને શ્રેષ્ઠ ગૌવંશના નિર્માણનો પાયો નાખવામાં આવશે.
યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ અને સેવાઓ
યાત્રામાં જોડાનાર તમામ પદયાત્રીઓ માટે તમામ સુવિધાઓ નિ:શુલ્ક રાખવામાં આવી છે. સમગ્ર રૂટ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. શુદ્ધ અને સાત્વિક ભોજનની સાથે જીવરાજ ચા ના સુપર સ્ટોકિશ દીપકભાઈ બાબરીયા (જીવરાજ સમારા ચા ગ્રુપ) દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન ચાની ફ્રી સેવા અવિરત પૂરી પાડવામાં આવશે. રાત્રિ રોકાણના સ્થળોએ તમામ યાત્રાળુઓ માટે ગાદલા, ગોદડા અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
યાત્રાના મુખ્ય પડાવો અને રૂટની વિગતો
આ યાત્રા સાંઢવાયાથી શરૂ થઈ રામોદ, ઘોઘાવદર, ગોંડલ, જામવાડી, ચોરડી, ગોમટા, નવાગામ, લીલાખા, મચ્છીતાળા, કાગવડ (ખોડલધામ મંદિર), દેરડી, જેતપુર, જેતલસર, નવી સાંકળી, નાની પરબડી, ચોકી, તોરણીયા, મોટી પરબડી, કેરાળા, જાલણસર, વાનંદીયા, વડા સીમડી, મજેવડી, પત્રપસર, આંબલીયા, ધંધુસર, નાદરાખી, કોયલી, વાડલા, લુવારસર, ધનફુલીયા, બોડકા, થાણા પીપળી, લુશાળા, દેરવાણ, મઘરવાડા, બડોદર, કેશોદ, મોટી ઘનસારી, મહંત સિમરોલી, ભાટ સિમરોલી, પાર્થ સ્કૂલ (વલ્લભગઢ), રૂદલપુર પાટિયું, માનખેત્રા, માંગરોળ, શાહપુર, શારદાગ્રામ, શેરિયાજ, હુસેનાબાદ, આરેણા, ખોડાદા પાટિયું, કુકસવાડા, ચોરવાડ, શાંતિપરા, સારસવા, મલોંઢા, ઉબા, ઇણાજ, સવની, ગીર ઈશ્વરીયા, ઇન્દ્રોઇ સોસાયટી, સોનારીયા અને કાજલી થઈને સોમનાથના ચરણોમાં પહોંચશે.



