હોસ્ટેલમાં આવેલા અધિકારીની ચેમ્બરમાં જ કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી
નિરાકરણ નહીં મળે તો કાલે સમાજ કલ્યાણ વિભાગના મંત્રીનો ઘેરાવ કરવાની કોંગ્રેસની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સમરસ કુમાર છાત્રાલય કે જે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હસ્તગત કાર્યરત હોય છે જેમા 1000 થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ત્યારે પ્રાથમિક સુવિધા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને અધિકારીની ચેમ્બરમાં ધરણા કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ જમવાની ગુણવતા અને અન્ય પ્રાથમિક સુવિધા મુદ્દે નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. તેમજ નિરાકરણ નહી મળે તો કાલે સમાજ કલ્યાણ વિભાગના મંત્રીનો ઘેરાવ કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓની સમસ્યા જોઇએ તો જમવામા વારેવારે ગુણવતાવિહીન કક્ષાનુ ભોજન આપવામા આવે છે, અનેક વાર જીવાત પડેલી હોય છે, શાકમા પાણીનુ પ્રમાણ વધુ, છાસ પાણી જેવી, રોટલી ગુણવતા તૂટે નહીં તેવી રબ્બર જેવી, ગંદકી, સિંગતેલની જગ્યાએ અન્ય તેલ વપરાય છે જેથી વિદ્યાર્થીઓને વેફરના પડીકા ખાયને સૂવાની ફરજ પડે છે. તેમજ પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ મોટાભાગના બંધ હાલતમા છે જેથી વિદ્યાર્થીઓને બહારથી પીવાનું પાણી લેવા મજબુરી ઉભી થાય છે. લિફ્ટ મોટા ભાગે બંધ હાલતમા હોવાથી વિદ્યાર્થીઓને રોજ 8-9 માળ ઉપર ચડવું પડે છે. લાઈટ, પંખા, વાપરવાના પાણીના અમુક નળ બંધ હાલતમા છે જેથી વિદ્યાર્થીઓને રહેવામા અનેક પ્રકારની અગવડતા ઊભી થાય છે. આ ઉપરાંત બાથરૂમમા પાણી ના આવવાના કારણે વિદ્યાર્થીઓને નાહવા કે ફ્રેશ થવા લાઈનો લાગે છે જેથી કોલેજોમા અને પરીક્ષાઓમા વિદ્યાર્થીઓને મોડું થાય છે.
આ મુદે વિદ્યાર્થીઓએ અનેકવાર સબંધિત વિભાગના અધિકારીઓના રજુઆત કર્યા બાદ પણ આ એક પણ પ્રશ્ન ના ઉકેલાતા આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા સમરસ હોસ્ટેલના પટાંગણમા મંગળવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓને સાથે રાખી હલ્લાબોલ કરવામા આવ્યો હતો. મોટી સંખ્યામા વિદ્યાર્થીઓએ સમસ્યાઓથી ત્રસ્ત થઈને નારાઓ લગાવતા આખુ કેમ્પસ સરકાર વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીનેતા રોહિતસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા કે સરકારે આ હોસ્ટેલની જેને જવાબદારી સોંપી તે અધિકારીઓ જાણી જોઈને વિદ્યાર્થીઓને કનગડત કરી રહ્યા છે કારણ કે આ મળેલી હોસ્ટેલની જવાબદારીથી ત્રસ્ત થઈ બીજે બદલી થઈ જાય તેવી અમને મોનોપોલી લાગે છે જેને લીધે તે પોતાની જવાબદારીથી જાણી જોઈને દૂર ભાગે છે. જમવાનો જેને કોન્ટ્રાક્ટ અપાયો તે એજન્સીને બચાવવામા અધિકારીઓ વ્યસ્ત રહે છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીને નબળી કક્ષાનુ જમવાનુ પીરસાય છે. જેને કારણે અનેક બીમારીઓ પણ વિદ્યાર્થીઓને ઉદ્દભવે છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતનો સંપર્ક કરતા જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામા આવે છે તે દુ:ખદ છે. જાડી ચામડીના અધિકારીઓ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને હેરાનગત કરી રહ્યા હોય તેવું અમને લાગે છે જેથી આજે અમે ધરણા કર્યા હતા. જો આ સમસ્યાઓનુ નિરાકરણ નહીં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમા સમાજ કલ્યાણ વિભાગના મંત્રી આવનાર છે ત્યાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી જરૂર પડ્યે ઘેરાવ કરતા અચકાવાના નથી. આ કાર્યક્રમમા કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત, રાજકોટ શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી યશ ભિંડોરા, પ્રશીલ રાજદેવ, યુવક કોંગ્રેસના મંત્રી રોનક રવૈયા સહિતના કાર્યકરો અને મોટી સંખ્યામા હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા હતા .



