સરદારનગર રોડ પર આવેલી કેટલીક દુકાનોમાં અ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
જય બાલાજી મોબાઇલ, મહાદેવ મોબાઇલ કવર, કવર ઝોન, ટફન ઝોન, ટફનવાલામાં દરોડા
- Advertisement -
કોપી રાઈટ ભંગ સબબ ગુનો નોંધી 5 લાખની નકલી એસેસરિઝ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સરદારનગર મેઇન રોડ પર આવેલી કેટલીક દુકાનોમાં એપલ કંપનીના નામે નકલી માલ વેચવામાં આવતો હોવાની કંપનીના ઓથોરાઇઝડ કર્મચારીએ ફરિયાદ કરતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી એક સાથે પાંચ દુકાનમાં દરોડો પાડી 5 લાખની નકલી એસેસરીઝ કબ્જે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના મણિનગરમાં રહેતા અને એપલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વિશાલસિંહ હીરાસિંહ જાડેજા ઉ.46એ જય બાલાજી મોબાઇલ, મહાદેવ મોબાઇલ કવર, કવર ઝોન, ટફન ઝોન અને ટફન વાલાના માલિકો અને સંચાલકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની કંપનીના કોપીરાઈટ લીધા વિના તેમની કંપનીના લોગો સાથે ભળતા હોય તેવા લોગો બનાવી નકલી એસેસરીઝ વેચવામાં આવતી હોવાની માહિતી મળતા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને અરજી આધારે પીઆઇ બી વી બોરીસાગર સહિતે પાંચ ટિમો બનાવીને સરદારનગર મેઈન રોડ ઉપર ઉપરોક્ત પાંચ દુકાનોમાં દરોડા પાડ્યા હતા પોલીસ અંને કંપનીના કર્મચારીએ તપાસ કરી તો ઉપરોક્ત પાંચેય દુકાનમાંથી એપલ કંપનીના નામે મોબાઇલ કવર, કેબલ, એડેપ્ટર, ઇયરબર્ડસ અને પાવરબેંક સહિતની નકલી વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે તમામ દુકાનોમાંથી કુલ રૂ.5,05,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત દુકાનના વેપારીઓ કોઇપણ સ્થળેથી કવર, ઇયરબર્ડસ, પાવરબેંક સહિતની વસ્તુઓ ખરીદી લાવતા હતા અને તેના પર એપલના માર્કાવાળા સ્ટિકર લગાવી એપલ કંપનીના નામે ગ્રાહકો પાસેથી ઊંચી રકમ વસૂલતા હતા. પોલીસે પાંચેય દુકાનના વેપારીને નોટિસ આપી હાજર થવા સૂચના આપી હતી જે નકલી વસ્તુઓ મળી આવી તે ક્યાંથી ખરીદતા હતા, કેટલામાં ખરીદતા હતા અને બ્રાન્ડેડ કંપનીના નામે કેટલી રકમની લૂંટ ચલાવતા હતા તે સહિતના મદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.



